મુખ્ય સમાચાર
News of Saturday, 9th December 2017

શું હવે ભાષણ જ શાસન છે?: રાહુલ ગાંધી

આ વખત મોદીના ભાષણોમાંથી 'વિકાસ' ગાયબઃ રાહુલે કર્યું ટ્વિટ

ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર એક-એક કરીને ૧૦ સવાલો પૂછી ચૂકયા છે. શનિવારે તેમણે ટ્વિટમાં કહ્યું કે ગુજરાતમાં ૨૨ વર્ષથી બીજેપીની સરકાર છે. પરંતુ, આ વખતે મોદીના ભાષણોમાંથી 'વિકાસ' ગાયબ છે. પાછલા ૧૦ સવાલોના પણ જવાબ નથી મળ્યા. વોટિંગ શરૂ થઇ ગયું. અત્યાર સુધી ચૂંટણી ઢંઢેરો પણ નથી આવ્યો. તો શું હવે ભાષણ જ શાસન છે? ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ૧૪ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને ચૂંટણીનું પરિણામ ૧૮ ડિસેમ્બરે જાહેર થશે.

 રાહુલે ટ્વિટમાં લખ્યું- ગુજરાતમાં ૨૨ વર્ષોથી બીજેપીની સરકાર. હું ફકત એટલું પૂછીશ, 'શું કારણ છે કે આ વખતે વડાપ્રધાનના ભાષણોમાંથી 'વિકાસ' ગુમ છે?'. 'મેં ગુજરાતના રિપોર્ટકાર્ડ ઉપરથી ૧૦ સવાલો પૂછ્યા, તેમનો પણ જવાબ ન મળ્યો. પહેલા તબક્કાનો પ્રચાર ખતમ થવા સુધી ચૂંટણી ઢંઢેરો નથી. તો શું હવે 'ભાષણ જ શાસન છે?'

રાહુલ ટ્વિટર પર '૨૨ સાલોંકા હિસાબ, ગુજરાત માંગે જવાબ' નામની એક સીરીઝ ચલાવીને દરરોજ મોદીને સવાલ પૂછી રહ્યા છે. પોતાની ટ્વિટમાં ગુજરાતની પરિસ્થિતિ પર 'પ્રધાનમંત્રીજી સે સવાલ' લખીને ટ્વિટ કરી રહ્યા છે.

(3:37 pm IST)