મુખ્ય સમાચાર
News of Saturday, 9th December 2017

આઇટી રિટર્નથી બહારનું બધુ રોકાણ બેનામી ગણાશે

જો કોઇએ બેંકોમાં રકમ જમા કરાવી હોય અને કોઇ રોકાણ કર્યુ હોય છતાં આઇટી રિટર્નમાં ઉલ્લેખ ન કર્યો હોય તો તે બેનામી સંપત્તિ ગણાશેઃ અત્યાર સુધી આવા કેસને ટેકસ ચોરીના દાયરામાં લવાતો હતોઃ હવે નવા કાયદા હેઠળ કાર્યવાહીઃ છુપાવનારને ૭ વર્ષની કેદ અને દંડ પણ થઇ શકે છે

નવી દિલ્હી તા.૯ : જો કોઇએ બેંકોમાં જમા રકમ કે રોકાણ રકમનો પોતાના આઇટી રીટર્નમાં ઉલ્લેખ ન કર્યો હોય એ બધી બેનામી સંપત્તિ ગણવામાં આવશે. ઇન્કમટેક્ષ વિભાગે આવા મામલાની તપાસ બેનામી સંપત્તિ એન્ગલથી શરૂ કરી છે. જો આ બેનામી સંપત્તિ સાબીત થાય તો કાર્યવાહી બેનામી કાનૂન હેઠળ કરવામાં આવશે.

અત્યાર સુધી આવા મામલાને ટેકસ ચોરીના મામલાના દાયરામાં લાવીને તપાસ કરવામાં આવતી હતી. નવા કાયદા હેઠળ બેનામી સંપત્તિ રાખનારને ૭ વર્ષ સુધીની જેલ થઇ શકે છે એટલુ જ નહી એ સંપત્તિના ૧૦ ટકા સુધીનો દંડ પણ થઇ શકે છે. જો કોઇ વ્યકિત ખોટી માહિતી આપે તો તેને પ વર્ષની કેદ થઇ શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નોટબંધી દરમિયાન અનેક લોકોએ પોતાના અને બીજાના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવી હતી અને બાદમાં ઉપાડી લીધી હતી. આ પ્રકારે રોકાણ પણ મોટી માત્રામાં કરવામાં આવ્યુ પરંતુ આ લોકોએ તેનો ઉલ્લેખ આઇટી રીટર્નમાં નથી કર્યો.

ટેકસ વિભાગે આવા લોકોની યાદી તૈયાર કરી જેમણે બેંકોમાં જમા રકમ કે રોકાણને આઇટી રિટર્નમાં નથી દર્શાવેલ. આમા લોકો અને કંપનીઓ બંને સામેલ છે. આ લોકોને નોટીસ મોકલવામાં આવી છે. સૌ પહેલા એ બાબતનું પ્રમાણ માંગવામાં આવશે કે તેઓએ બેંકોમાં પૈસા જમા કરાવ્યા અને નિવેષ કર્યુ શું તે તેમનુ જ છે ? આવુ સાબીત ન થવા પર તેમની વિરૂધ્ધ કાર્યવાહી થશે. વિભાગે આ કામ માટે ર૪ ખાસ પ્રકારની ટીમો બનાવી છે.

 

(9:40 am IST)