મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

મહારાષ્‍ટ્રમાં ચાલતા રાજકીય ધમાસાણ વચ્‍ચે 27 વર્ષ જુના વોહરા કમિટીના રિપોર્ટ જાહેર કરવાની માંગઃ દાઉદ ઇબ્રાહિમને અનેક મોટા નેતાઓની સાથે સંડોવણીનો ઉલ્લેખ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 27 વર્ષ જૂના વોહરા કમિટીના રિપોર્ટને જાહેર કરવાની માંગ ઉઠવા લાગી છે. આ રિપોર્ટમાં દાઉદ ઈબ્રાહિમની સાથે અનેક મોટા નેતાઓની સંડોવણીનો ઉલ્લેખ હોવાની વાત કહેવામાં આવી છે.

ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયે કેન્દ્ર સરકારને જેમ બને તેમ જલ્દી આ રિપોર્ટને જાહેર કરવાની માંગ કરી છે. એવું કહેવાય છે કે, આ રિપોર્ટ ર્વજનિક થવાથી અનેક મોટા નેતાઓના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના સબંધોનો ખુલાસો થશે. જેનાથી મહારાષ્ટ્રની સરકારને પણ અસર થઈ શકે છે.

અશ્વિની ઉપાધ્યાયે રિપોર્ટ જાહેર ના થવા પર સુપ્રીમ કોર્ટમાં જવાની વાત જણાવી છે. ભાજપ નેતાનું કહેવું છે કે, દિનેશ ત્રિવેદીની PIL પર 20 માર્ચ 1997માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વોહરા કમિટી પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં વોહરા કમિટીના રિપોર્ટ પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આટલું જ નહીં, આ રિપોર્ટને જાહેર પણ નથી કરવામાં આવ્યો.

BJP નેતાનું કહેવું છે કે, વોહરા કમિટીના રિપોર્ટ પર તાત્કાલીક કાર્યવાહી કરવી અને તેને સાર્વજનિક કરવો આવશ્યક છે. દેશ જાણવા ઈચ્છે છે કે, દાઉદ સાથે સબંધ ધરાવતા કેટલા નેતાઓ અત્યાર સુધી લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં પહોંચ્યાં છે?

ઉપાધ્યાયનું કહેવું છે કે, જો કેન્દ્ર સરકાર દિનેશ ત્રિવેદી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને વોહરા કમિટીનો રિપોર્ટ લોકો સમક્ષ ઉજાગર નહીં કરે, તો હું PIL દાખલ કરીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવીશ. દેશહિતમાં વોહરા કમિટીનો રિપોર્ટ ઉજાગર થવો ખૂબ જ જરૂરી છે.

જણાવી દઈએ કે, 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ કેન્દ્રની તત્કાલીન પીવી નરસિમ્હા રાવની સરકાર દ્વારા ગઠન કરવામાં આવેલી એનએન વોહરા કમિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. કમિટીએ આ રિપોર્ટ 5 ઓક્ટોબર, 1993એ સરકારને સોંપ્યો હતો.

100 પેજના આ રિપોર્ટમાં અંડરવર્લ્ડની સાથે ક્યાં નેતાઓના સબંધો છે? તેના વિશે જાણકારી હોવાની વાત કહેવામાં આવી છે. અત્યાર સુધી રિપોર્ટના માત્ર 12 પેજ જ જાહેર કરવામાં આવ્યા છે. રિપોર્ટના અતિ સંવેદનશીલ ભાગને અત્યાર સુધી જાહેર નથી કરવામાં આવ્યો.

એવું કહેવાય છે કે, દાઉદ ઈબ્રાહિમ સાથે અનેક નેતાઓના સબંધોનો વિસ્ફોટક ખુલાસો થવાના કારણે તત્કાલીન સરકારે સમગ્ર રિપોર્ટ જાહેર કરવાથી પીછેહઠ કરી હતી.

(5:00 pm IST)