મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

બિગ બાસ્કેટના ૨ કરોડ ગ્રાહકોનો ડેટા હેક

ડેટામાં છે અનેક મહત્વની માહિતી : બેંગ્લુરૂ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાઇ

નવી દિલ્હી તા. ૯ : કરિયાણાની ખરીદી માટેના ઓનલાઇન પ્લેટફોર્મ બિગ બાસ્કેટ સાયબર ક્રાઇમનો શિકાર બન્યું છે અને તેના ૨ કરોડથી વધુ ગ્રાહકોની વિગતો લીક થયા હોવાનું મનાય છે. કંપનીએ આ મામલે બેંગાલુરૂ ખાતે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ઇન્ટેલિજન્સના દાવા પ્રમાણે હેકરે આ સાઇટનો ડેટા લીક કર્યા બાદ તેને રૂપિયા ૩૦ લાખમાં વેચવા માટે કાઢ્યો છે.

સાયબર ઇન્ટેલિજન્સ સાયબલે બ્લોગમાં જણાવ્યું છે કે, 'અમે અમારી નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે ડાર્ક વેબ મોનિટરિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સાયબરની રીસર્ચ ટીમને ધ્યાનમાં આવ્યું હતું કે બીગ બાસ્કેટનો ડેટાબેઝ સાયબર ક્રાઇમ માર્કેટમાં ૪૦ હજાર ડોલરમાં વેચવા માટે કઢાયો છે. જે ડેટાબેઝ લીક થયો તેમાં મેમ્મબરના નામના કોષ્ટકનો સમાવેશ થાય છે. આ એસકયુએલ ફાઇલ ૧૫ જીબીની સાઇઝ ધરાવે છે અને તેમાં ૨ કરોડથી વધુ લોકોનો ડેટા છે.'

જે ડેટા વેચવા કઢાયો છે તેમાં નામ-ઇ મેઇલ એડ્રેસ-પાસવર્ડ હેશિસ-મોબાઇલ નંબર-એડ્રેસ-જન્મતારીખ-લોકેશ-લોગઇનનું આઇપી એડ્રેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે. સાયબલે પાસવર્ડનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ કંપની એસએમએસ દ્વારા ગ્રાહકોને ઓટીપી મોકલતું હોય છે. જેના કારણે ગ્રાહક જયારે લોગઈન કરે ત્યારે અલગ પાસવર્ડ હોય છે.

કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે કે, 'અમારો ડેટા ચોરાયો હોવાની સંભાવના અંગે થોડા દિવસ અગાઉ જાણ થઇ હતી. આ દાવામાં કેટલું તથ્ય છે અને સાયબર સિકયુરિટી કઇ રીતે વધુ જડબેસલાક બનાવી શકાય તેના માટે સાયબર એકસપર્ટ્સ સાથે મસલત કરી રહ્યા છીએ. અમે બેંગાલુરૂ ખાતે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ પણ નોંધાવી છે.'

(3:41 pm IST)