મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

દિલ્હીમાં ફટાકડા વગર ઉજવાશે દિવાળી

NGTનો આદેશ... ખરાબ એર કવોલિટીવાળા રાજ્યોમાં ૩૦ નવે. સુધી ફટાકડા ઉપર પ્રતિબંધ : અલગ અલગ રાજ્યો માટે અલગ - અલગ નિયમો : હરિયાણામાં ૨ કલાકની છૂટ : મુંબઇમાં BMCના નવા નિયમોનું એલાન

નવી દિલ્હી તા. ૯ : દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલએ મોટો નિર્ણય આપ્યો છે. એનજીટીએ સોમવારે પોતાના આદેશ આપતાં દિલ્હી-એનસીઆરમાં ૩૦ નવેમ્બર સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ  લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બાકી રાજયોમાં જયાં એર કવોલિટી ખરાબ કે ખતરનાક સ્તર પર છે, ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હશે.

ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે જે રાજયોમાં વાયુ પ્રદૂષણ કે એર કવોલિટી ઠીક છે, ત્યાં ૩૦ નવેમ્બર સુધી ફટાકડા ફોડી શકાશે. ટ્રિબ્યૂનલે તેની સાથે જ એવું પણ કહ્યું કે ખરાબ AQIવાળા શહેરોમાં આ અવધિ સુધી આતિશબાજી પ્રતિબંધિત રહેશે.

મહારાષ્ટ્ર સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ લોકોને અપીલ કરી છે કે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા હિતમાં પ્રજા ફટાકડા ફોડે નહિ. બીજીબાજુ મુંબઇ નગર નિગમમાં ફટાકડાને સાર્વજનિક સ્થળો પર ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ બીએમસીએ કહ્યું કે, આદેશોનું ઉલ્લંઘન કરવા પર દંડ પણ વસૂલાશે. હરિયાણા સરકારે રાજ્યમાં દિવાળી પર ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા વચ્ચે ફકત બે કલાક જ ફટાકડા ફોડવાની મંજુરી આપી છે.

NGTએ પોતાના આદેશમાં કહ્યું કે, નવેમ્બરમાં જે શહેરોમાં AQI ખરાબ કે ખૂબ જ ખરાબની શ્રેણીમાં હશે, ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જે શહેરોમાં AQI મોડરેટ છે, ત્યાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની જ છૂટ મળશે. આ ઉપરાંત દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાના પ્રસંગે માત્ર બે કલાક માટે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી હશે. નોંધનીય છે કે આતિશબાજી પર NGTના આ નિર્ણયની અસર લાંબા ગાળા સુધી જોવા મળશે. વાયુ પ્રદૂષણની બગડતી સ્થિતિને જોતાં ટ્રિબ્યૂનલનો આ નિર્ણય ખૂબ જ અગત્યનો છે.

નોંધનીય છે કે, ફટાકડાઓના વેચાણ પર પ્રતિબંધ લાદવાના કારણે વેપારીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ પ્રતિબંધના કારણે અનેક વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડશે. બીજી તરફ ફટાકડા પર પ્રતિબંધના કારણે નારાજગી માત્ર દુકાનદારોની નથી પરંતુ કેટલાક ગ્રાહકોમાં પણ જોવા મળી રહી છે. ગ્રાહકોએ જણાવ્યું કે બાળકો ફટાકડાની માંગ કરે છે એવામાં બાળકોને દિવાળી કેવી રીતે ઉજવશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે ગ્રીન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજયોએ હાલ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાનો કોઈ આદેશ જાહેર નથી કર્યો. બીજી તરફ પર્યાવરણ મંત્રાલયે કહ્યું હતું કે હાલ તેમની પાસે કોઈ એવી સ્ટડી નથી જેમાં સ્પષ્ટ થઈ શકે કે ફટાકડા ફોડવાથી કોરોનાના કેસ વધી જશે.

(3:40 pm IST)