મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

રિલાયન્સમાં બીઝનેસની વહેંચણીની તૈયારીઓ

મુકેશ અંબાણી બીઝનેસની કમાન નવી પેઢીના હાથમાં સોંપવા માંગતા હોવાના અહેવાલોઃ આકાશ-ઇશા અને અનંત વચ્ચે ૨૦૦ અબજ ડોલરના કારોબારના ૩ ભાગ પડી શકે છે : મુકેશ અંબાણી એક ફેમીલી કાઉન્સીલ પણ બનાવવા માંગે છે કે જેથી બીઝનેસને સરળતાથી ભાવી પેઢી સુધી સરળતાથી ટ્રાન્સફર કરી શકાય

મુંબઇ, તા., ૯: રિલાયન્સમાં ફરી એક વખત બીઝનેસની વહેચણી થઇ રહયા હોવાનું બહાર આવ્યું છે. નવ ભારત ટાઇમ્સના એક અહેવાલ અનુસાર મુકેશ અંબાણી પોતાના ૩ સંતાનો વચ્ચે બીઝનેસની વહેચણી કરવાની તૈયારી કરી રહયા છે. અંબાણીએ કોવીડ-૧૯ મહામારી દરમિયાન પોતાના ટેક અને રીટેઇલ બીઝનેસ માટે ૬.પ અબજ ડોલર એકઠા કર્યા હતા. અંબાણી ઓઇલ કારોબાર ઉપર નિર્ભરતા ઓછી કરવા માંગે છે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનો બીઝનેસ વિસ્તારવા માંગે છે. સાથોસાથ તેઓ પોતાના બાળકો આકાશ, ઇશા અને અનંત વચ્ચે બીઝનેસની વહેચણી કરવા માંગે છે. અંબાણીએ પોતાના ઉત્તરાધીકારીની યોજના અંગે કોઇ જાહેરાત કરી નથી પરંતુ જાણકારોનું કહેવું છે કે અંબાણીએ જે રીતે રીટેઇલ અને ડીઝીટલમાં બીઝનેસ વધાર્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ બીઝનેસની કમાન નવી પેઢીના હાથમાં સોંપવાની તૈયારી કરી રહયા છે.

રિલાયન્સનો બીઝનેસ અત્યારે પણ મોટા ભાગનો ક્રુડ ઓઇલ અને રીફાઇનરીંગ અને પેટ્રો કેમીકલ્સ ઉપર નિર્ભર છે પરંતુ તેમની રીટેઇલ કંપની રિલાયન્સ રીટેઇલ રેવન્યુના હિસાબથી દેશની સૌથી મોટી કંપની છે. જો ફયુચર ગૃપ સાથે તેનો વર્તમાન સોદો પુરો થાય તો પછી રીટેઇલમાં રીલાયન્સનો દબદબો કાયમ થઇ જશે. રીલાયન્સની ડીઝીટલ કંપની જીઓ પ્લેટફોર્મમાં ફેસબુક અને ગુગલ જેવી ટેક કંપનીઓએ રોકાણ કર્યુ છે. અંબાણીના બાળકો પોતાની પસંદગીના હિસાબથી પહેલેથી જ રિલાયન્સના બીઝનેસમાં મહત્વની ભુમીકા નિભાવી રહયા છે. અંબાણીના જોડીયા બાળકો ઇશા અને આકાશે કંપનીના ડીઝીટલ બીઝનેસમાં ઉતરવા પર ભાર મુકયો હતો.

આ પહેલા એવા સમાચારો આવ્યા હતા કે મુકેશ અંબાણી એક ફેમીલી કાઉન્સીલ એટલે કે પારીવારીક પરીષદ બનાવવા જઇ રહયા છે કે જેથી તેમના કારોબારને નવી પેઢી સુધી સરળતાથી ટ્રાન્સફર થઇ શકે. આ ફેમીલી કાઉન્સીલમાં અંબાણીના ૩ બાળકો સાથે પરીવારના એક વરિષ્ઠ સભ્ય પણ હશે. જો કે રીલાયન્સે આ બાબતે કોઇ સતાવાર નિવેદન આપ્યું નથી.

અત્રે નોંધનીય છે કે મુકેશ અંબાણી અને તેના ભાઇ અનીલ અંબાણી વચ્ચે રીલાયન્સના વારસાને લઇને લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો કદાચ આ બાબતને ધ્યાને લઇ મુકેશ અંબાણીએ આ કાઉન્સીલ બનાવવાનો નિર્ણય લીધો હોય. આવતા સમયમાં રીલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝનું સુકાન મુકેશ અંબાણીના બાળકોના હાથમાં હશે. તે નોંધનીય છે કે મોટી સંપતી મોટા વિવાદો ઉભા કરતી હોય છે.

ભુતકાળમાં કોકીલાબેનની મધ્યસ્થીથી સંપતીની વહેચણી થઇ હતી.

(3:12 pm IST)