મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

ફરી કોરોનાનો ફૂંફાડોઃ બપોર સુધીમાં ૨૬ કેસ

શહેરમાં છેલ્લા આઠ મહિનામાં કુલ ૯૦૫૯ લોકો કોરોનાની ઝપટે ચડયાઃ કુલ ૮૪૦૯ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૩.૦૯ ટકા થયોઃ પ્રભારીઓને દોડાવતા ઉદીત અગ્રવાલઃ સંજીવની રથોને વિસ્તારોમાં દોડતા કરાયા : ન્યુ પપૈયા વાડી- ગોંડલ રોડ, જંકશન પ્લોટ, ન્યુ સાગર સોસાયટી- કોઠારીયા મેઇન રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર તથા તિરૂપતી નગર, તક્ષશિલા એપાર્ટમેન્ટ-ગેલેકસી સિનેમા પાસે, ખોડીયાર સોસાયટી-ઢેબર રોડ, ગાંધીગ્રામ સોસાયટી-રૈયા રોડ સહિતના નવા ૮ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

રાજકોટ તા.૯: શહેરમાં છેલ્લા કેટલાક દિવસ કોરોનાનો આંકનો ગ્રાફ નીચે આવતા તંત્ર દ્વારા રાહત અનુભવી હતી પરંતુ ફરી બે - ત્રણ દીવસથી  કેસનો આંક વધવા લાગ્યો છે. આજે બપોર સુધીમાં ૨૬ કેસ નોંધાયા છે. શહેરમાં દિવાળીનાં તહેવારનાં માહોલમાં શહેરીજનો કોઇ પણ જાતનાં નિયમોનું પાલન કર્યા વગર બજારોમાં ફરી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી કેસ વધવા પામતા મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે ફરી વોર્ડ પ્રભારીઓ, સંજીવની રથને દોડતા કર્યા છે.

આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૬ પોઝીટીવ કેસ આવ્યા છે.  જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ ૯ હજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપટે ચડયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૯૦૫૯  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૪૦૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૦૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૦૭૯  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૨ં કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૬૬ ટકા થયો  હતો. જયારે ૫૨  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૭૧,૧૬૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૦૫૯  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૩  ટકા થયો છે.

નવા ૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે  ન્યુ પપૈયા વાડી- ગોંડલ રોડ, જંકશન પ્લોટ, ન્યુ સાગર સોસાયટી- કોઠારીયા મેઇન રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર તથા તિરૂપતી નગર, તક્ષશિલા એપાર્ટમેન્ટ-ગેલેકસી સિનેમા પાસે, ખોડીયાર સોસાયટી-ઢેબર રોડ, ગાંધીગ્રામ સોસાયટી-રૈયા રોડ સહિતના નવા ૮ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૪૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૧૨ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૭ લોકોને તાવ-શરદી-  ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૦,૨૭૮  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૭  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જયારે શહેરનાં વિવિધં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૪૩૪  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:11 pm IST)