મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

મધ્યપ્રદેશમાં બાબાના લકઝરી આશ્રમો તોડી પડાયા : યૌનશોષણ અને અશ્લિલ વીડિયો બનાવનારા ઢોંગી બાબાના ધોતિયા ઢીલા કરતું તંત્ર

ધર્મના નામે ધતિંગ કરનારા માથાભારે ઇસમો સામે કાર્યવાહી સખ્ત કરવામાં આવી રહી છે

ભોપાલ તા. ૯ : ધર્મના નામે ધતિંગ કરનારા માથાભારે ઈસમો સામે કાર્યવાહી સખ્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને યૌનશોષણ અને અશ્લિલ વીડિયો બનાવનારા કહેવાતા સંત બની ગયેલા પાખંડીઓ સામે હવે એકશન લેવામાં આવી રહયા છે ત્યારે મધ્યપ્રદેશમાં રવિવારે ગેરકાયદે બનાવાયેલા બાબાના લકઝરી આશ્રમને તોડી પડાયા હતા. ભાજપ અને કોંગ્રેસના શાસન દરમિયાન રાજયમંત્રીનો દરજ્જો મેળવી ચૂકેલા નામદેવદાસ ત્યાંગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાના ઇંદોર નજીકના આશ્રમનો પણ સમાવેશ થાય છે.

આશ્રમમાંથી ૧૦ ટ્રક જેટલો સામાન નીકળ્યો હતો. તેમાં મોંઘા સોફા, ટીવી, એસી, ફ્રીઝ, લકઝરી કાર અને એક બંદૂક પણ સામેલ છે. આ કાર્યવાહી દરમિયાન અશાંતિ ફેલાવવા બદલ બાબા અને તેના ૭ સહયોગીની ધરપકડ કરી તેમને જેલ મોકલી દેવાયા છે. બંદૂકનું લાઈસન્સ પણ નહીં હોવાનું જણાયું છે. હવે તેમના બેન્ક ખાતાની પણ તપાસ કરવામાં આવશે.

બીજી બાજુ નરસિંહપુરમાં યૌનશોષણ અને અશ્લિલ વીડિયો બનાવનારા ઢોંગી બાબા ધર્મેન્દ્ર દુબેના આશ્રમને પણ તોડી પડાયો હતો. ધર્મેન્દ્ર દુબે સામે લોકોની સાથે ઠગાઈ કરવાનો અને ગાજાના ખરીદ-વેચાણનો કેસ દાખલ થયેલો છે. તેણે પણ સરકારી જમીન પર આશ્રમ બનાવ્યો હતો. કલેકટર મનીષસિંહે કહ્યું કે હવે અહીં ગૌશાળા બનાવાશે. આમ હવે આ રીતે કાર્યવાહી થતા કહેવાતા બનાવટી બાબાઓની લોબીમાં ફફડાટ મચ્યો છે. આવા લોકોને લીધે સાચા ધર્મગુરૂઓ અને સંસ્કૃતિને અને ભાવનાઓને નુકશાન થઈ રહ્યું છે ત્યારે મુઠીભર આવા તત્વો ને જેર કરવા માંગ ઉઠી છે.

(11:34 am IST)