મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

ભારતીય વેપારી જહાજ ચીનના જિંગટંક બંદરે અટવાયું : છ મહિનાથી ક્રૂના 23 સભ્યો ફસાયા: તબિયત પણ લથડી

વહાણમાં હાલમાં 1.70 લાખ ટન ઓસ્ટ્રેલિયન કોલસો: ખાલી કરવાની મંજૂરી આપતા નથી : લાંબા સમયથી વહાણમાં દવાઓની તંગી

નવી દિલ્હી : એક ભારતીય વેપારી નૌકાદળનું જહાજ જૂન મહિનાથી ચીનના જિંગટંક બંદરમાં અટવાયુ છે. જગ આનંદ નામનું વહાણ મુંબઇ સ્થિત ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ લિમિટેડની કંપનીનું છે. આ જહાજ ફસાયેલા હોવાને કારણે તેના ક્રૂના 23 સભ્યો પણ લગભગ છ મહિનાથી ત્યાં ફસાયેલા છે અને જોખમી હાલતમાં છે. છેલ્લા પાંચ મહિનાથી ફસાયેલા ક્રૂ મેમ્બર્સ ભારત પરત આવવા માટે મદદ માગી રહ્યા છે.ક્રૂના કેટલાક સભ્યોની તબિયત પણ સારી નથી લાંબા સમયથી વહાણમાં દવાઓની તંગી છે.

 ક્રૂ સભ્યોએ ન્યૂઝ એજન્સી એનએનઆઈનો સંપર્ક સાધ્યો હતો અને તેમની વ્યથા વ્યક્ત કરી હતી ક્રૂના સભ્યએ, એએનઆઈ સાથે વાત કરતા ફોન પર જણાવ્યું છે કે જાન્યુઆરીમાં જહાજ નીકળ્યું હતું વહાણમાં હાલમાં 1.70 લાખ ટન ઓસ્ટ્રેલિયન કોલસો છે. ક્રૂ સદસ્યએ જણાવ્યું કે તે મે મહિનામાં ઓસ્ટ્રેલિયાથી ચાલ્યું હતું. પછી 13 જૂને ચીનના જિંગટંક બંદરે પહોંચ્યું હતું.ત્યારબાદ પાંચ મહિના વીતી ગયા પણ અમને હજી સુધી ચીની બંદર તરફથી કોઈ અપડેટ પ્રાપ્ત નથી થયું. ક્રૂ મેમ્બરે પોતાની વેદના જણાવી અને કહ્યું કે છેલ્લા પાંચ મહિનાથી આપણે મુશ્કેલીની જીંદગી જીવી રહ્યા છીએ. ક્રૂ સભ્યોએ કહ્યું કે ચીની બંદર પ્રશાસન તેમને કોલસો પણ ખાલી કરવાની મંજૂરી આપી રહ્યું નથી કે તે તેની પાછળનું કારણ જણાવી રહ્યું નથી

ક્રૂ સભ્યએ કહ્યું કે કંપનીને તેની સમસ્યાઓથી વાકેફ કરવામાં આવી છે અને તેઓ તેને રાજદ્વારી ચેનલ દ્વારા હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, શિપ કંપનીના અધિકારીએ કહ્યું છે કે તેમણે શિપિંગના ડીજી અને વિદેશ મંત્રાલયને પણ જાણ કરી દીધી છે. ક્રૂના 23 સભ્યોમાંથી કેટલાક છેલ્લા 15 મહિનાથી જહાજ પર જ છે.

(12:00 am IST)