મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્યાના મામલે ચુકાદાનું મુસ્લિમો દ્વારા સ્વાગત કરાયું

મુસ્લિમ સંગઠનોએ જુદી જુદી પ્રતિક્રિયા આપી : મુસ્લિમ સમુદાયમાં નિરાશા પરંતુ સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારવો રહ્યો : વિવિધ મુસ્લિમ સંગઠન દ્વારા આવકાર

અમદાવાદ,તા. ૯ : અયોધ્યામાં રામમંદિર કેસમાં સુપ્રીમકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદા મારફતે હિન્દુ અને મુસ્લિમ સમાજને ન્યાય આપવાનો પૂર્ણપણે પ્રયાસ કર્યો છે ત્યારે તેને લઇ બંને સમાજમાં તેના પ્રત્યાઘાત અને પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ સહિત રાજયભરના મુસ્લિમ સંગઠનો અને તેના આગેવાનો દ્વારા સુપ્રીમકોર્ટના ચુકાદાને આવકારાયો હતો. મુસ્લિમ સંગઠનોએ પણ કોમી એકતા, ભાઇચારા અને ખેલદિલીની ભાવના દર્શાવી એક નવા ભારતના નિર્માણની આશા વ્યકત કરી હતી.

   મુહીબ્બાને એહલેબૈત ફાઉન્ડેશનના ગુજરાતના પ્રમુખ સુફી અનવર હુસૈન શેખે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તે ખરા અર્થમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. સર્વોચ્ચ અદાલતે તમામ પક્ષકારોને ધીરજ સાથે સાંભળી તમામ પાસાઓ ધ્યાનમાં લઇ ચુકાદો આપ્યો છે. હિન્દુ પક્ષને રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવાની સાથે સાથે મુસ્લિમ પક્ષકારો માટે પણ મસ્જિદ માટે પાંચ એકર દેશભરમાં સૌથી વધુ જમીન ફાળવવાનો નિર્ણય આપી મુસ્લિમ સમાજને પણ ન્યાય આપવાનો સુપ્રીમકોર્ટે પ્રયાસ કર્યો છે. મુહીબ્બાને એહલેબૈત ફાઉન્ડેશનના ગુજરાતના પ્રમુખ સુફી અનવર હુસૈન શેખે વધુમાં ઉમેર્યું કે, સુપ્રીમકોર્ટના આ ચુકાદાને પગલે એક  નવા અને વિકાસશીલ રાષ્ટ્રનું નિર્માણ શકય બનશે.

                  ખાસ કરીને આવનારી પેઢીઓને શાંતિપૂર્ણ, સૌહાદપૂર્ણ અને વિકાસશીલ રાષ્ટ્રની પરિભાષા જોવા મળશે.  દરમ્યાન અલ્પસંખ્યક અધિકાર મંચના કન્વીનર શમશાદ પઠાણ અને અમદાવાદ મુસ્લિમ યુથના પ્રમુખ ઇમ્તીયાઝ ખાને પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટનો આજનો ચુકાદો ખરેખર ઐતિહાસિક છે. કયાંક મુસ્લિમ સમાજમાં થોડી નિરાશા વર્તાઇ છે પરંતુ સુપ્રીમકોર્ટનો ચુકાદો છે, તેથી દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સન્માન કરવું જ રહ્યું. સુપ્રીમકોર્ટે તમામ પક્ષકારોને સાંભળીને, જરૂરી તમામ પુરાવાઓ અને કેસની હકીકતો ધ્યાનમાં લીધા બાદ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને હિન્દુ તેમ જ મુસ્લિમ સમાજને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે, તે વાત નોંધનીય કહી શકાય. અન્ય મુસ્લિમ સંગઠન અને સંસ્થાઓના આગેવાનોએ પણ સુપ્રિમ કોર્ટના આવેલા  ચુકાદાને ખેલદિલીપૂર્વક સ્વીકારી તેનું સન્માન કરવા જણાવ્યું હતું.

(8:51 pm IST)