મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

કરતારપુર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનની કરેલી પ્રશંસા

કરતારપુર કોરીડોરના ભારતીય હિસ્સાનું ઉદ્ઘાટન : કોરીડોર બાદ ગુરૂદ્વારા સાહિબના દર્શન વધુ સરળ બન્યા શીખોના મહત્વના સ્થાનોની કનેક્ટીવીટી માટે કામ જારી

ગુરદાસપુર, તા. ૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરીડારના ભારતીય હિસ્સાનું આજે ઉદ્ઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે દુનિયાભરના શીખ સમાજના લોકોને આના કારણે ગુરૂનાનક દેવના પવિત્ર સ્થાનના દર્શન કરવાની તક મળશે. મોદીએ આ પ્રસંગે પંજાબ સરકાર, શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનો પણ આભાર માન્યો હતો. ડેરાબાબા નાનકમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આજે આ પવિત્ર ભૂમિથી ગુરૂનાનક દેવના ચરણમાં પ્રણામ કરીને તેઓ કહેવા માંગે છે કે તેમની અંદર સેવાભાવનું પ્રમાણ વધતું રહે તેમ ઈચ્છે છે. નાનકદેવના ૫૫૦માં પ્રકાશપર્વ પહેલા કરતારપુર કોરીડોર શરૂ થવાની બાબત અમારા તમામ માટે બેવડી ખુશીની બાબત છે. મોદીએ કહ્યું હતું કે આ કોરીડોર બની ગયા બાદ હવે ગુરૂદ્વારા દરબાર સાહીબના દર્શન વધુ સરળ બની જશે. આના માટે તેઓ તમામનો આભાર માને છે. ઈમરાનખાન નિયાજીનો પણ આભાર માને છે.

                 ઈમરાને આ મામલા પર ભારતની ભાવનાઓને સમજીને કામ કર્યું છે જે પ્રશંસાપાત્ર છે. પાકિસ્તાનના શ્રમિક સાથીઓનો પણ તેઓ આભાર માનવા માંગે છે. આ લોકોએ ઝડપથી કામ કર્યું છે. મોદીએ કહ્યું હતું કે કરતારપુર માત્ર શિખ પંથ માટે જ નહીં બલ્કે સમગ્ર દુનિયા માટે પ્રેરણાના સાધન તરીકે છે. નાનકની યાત્રા, સંવાદ, સામાજિક પરિવર્તનની યાત્રા તરીકે છે. મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદીને લઈને પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આનાથી પણ શીખ સમાજના લોકોને વધુ સુવિધા મળશે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ૩૭૦ કલમને દુર કરાયા બાદ શીખ પરિવારના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી પણ એવા અધિકાર મળશે જે સમગ્ર દેશમાં લાગુ થાય છે. મોદીએ એવું કહ્યું હતું કે ગુરૂનાનક દેવ અમારા દેશ, સમાજ પર અન્યાય, ધર્મની અમાવસ્યા જે છવાયેલી હતી તેમાંથી બહાર નીકળીને આગળ આવ્યા હતા. ગુલામીના એવા કાળખંડમાં ચેતના જગાવવાનું કામ કર્યું હતું. મોદીએ ઉમેર્યું હતું કે ગુરૂનાનકદેવે એવી તમામ લોકોને પ્રેરણા આપી હતી કે વાસ્તવિકતા અને ઈમાનદારીની સાથે આગળ વધવાથી હંમેશા પ્રગતિના રસ્તા ખુલ્લા રહે છે. પવિત્ર સ્થળ માટે જેટલું કઈ કરી શકાય છે તે કરવાની જરૂર છે. કોઈપણકામ પવિત્ર સ્થળ માટે જેટલું કરવામાં આવે તેટલું ઓછું રહે છે. ગુરૂદેવજીની સ્મૃતિમાં સિક્કાઓ અને ટપાલ ટિકિટ પણ જારી કરવામાં આવી છે. ગુરૂબાનીનો અનુવાદ જુદી જુદી ભાષાઓમાં કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં શીખ સમુદાયના મહત્વના સ્થળોની કનેક્ટીવીટી માટે પણ સરકાર કામ કરી રહી છે.

(7:53 pm IST)