મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

આજનો દિવસ ઐતિહાસિક, હવે દેશના નિર્માણનો સમય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અયોધ્યા અંગે ઐતિહાસિક ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન : આજના દિવસે જ બર્લિનની દીવાર પડી હતી અને બે વિચારધારા એક રસ્તા પર આવી હતી : હવે દરેક નાગરિક પર ન્યુ ઈન્ડિયાના નિર્માણની જવાબદારી

નવી દિલ્હી, તા.૯ : અયોધ્યા મામલા પર સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રના નામ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આજે સુપ્રિમ કોર્ટે એક એવા મહત્વપૂર્ણ મામલા પર ચુકાદો આપ્યો છે જેની પાછળ સેંકડો વર્ષોનો ઈતિહાસ છે. ઘણા લોકોની ઈચ્છા હતી કે દરરોજની સુનાવણી થવી જોઈએ અને ઈચ્છા મુજબ જ સુનાવણી થઈ હતી. આજે ચુકાદો આવ્યો છે. દશકો સુધી ચાલેલી ન્યાયિક પ્રક્રિયાનો અંત આવ્યો છે. હવે અમને આગળ વધવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણનો ચુકાદો સુપ્રિમ કોર્ટે આપી દીધો છે. હવે દેશના દરેક નાગરિક પર દેશ નિર્માણની જવાબદારી વધી ગઈ છે. આજના દિવસને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે આજે નવમી નવેમ્બરનો દિવસ છે. આજના દિવસે જ બર્લિનની દીવાર પણ તૂટી હતી અને બે વિચારધારાઓ એક રસ્તા ઉપર આવી હતી. તેમણે કહ્યું હતું કે આજના દિવસે જ કરતારપુર કોરીડોરનું ઉદ્ઘાટન થયું છે.

                 હવે દરેક નાગરિક પર ન્યુ ઈન્ડિયાના નિર્માણની જવાબદારી પણ વધી ગઈ છે. આશરે ૧૧ મિનિટના પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે સમગ્ર દુનિયા માને છે કે ભારત દુનિયાના સૌથી મોટી લોકશાહી દેશ તરીકે છે. આજે દુનિયાએ જાણી પણ લીધું છે કે ભારતનું લોકતંત્ર કેટલું મજબૂત અને જીવંત રહેલું છે. ચુકાદા બાદ જે રીતે દરેક વર્ગ, સમુદાય, પંથ અને સમગ્ર દેશના લોકોએ ખુલ્લા દિલથી આ ચુકાદાને સ્વીકાર કર્યો છે કે તે ભારતની પરંપરા અને સદ્ભાવની ભાવનાને દર્શાવે છે. મોદીએ કહ્યું હતું કે ભારત જેના માટે ઓળખાય છે તે અમે ગર્વ સાથે ઉલ્લેખ પણ કરીએ છીએ અને તે બાબત વિવિધતામાં એકતાની રહેલી છે. આજે વિવિધતામાં એકતાનો મંત્ર પોતાના પૂર્ણ સ્વરૂપ સાથે નજરે પડે છે. હજારો વર્ષ બાદ પણ કોઈને વિવિધતામાં એકતા ભારતનાં આ પ્રાણ તત્વને સમજવાની જ જરૂર છે કે આજના દિવસના ઈતિહાસને જોઈ શકે છે. આ ઘટના ઈતિહાસના કાગળોથી ઉઠાવવામાં આવી નથી. સવાસો કરોડ લોકોએ ઈતિહાસની રચના કરી છે. મોદીએ પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે ભારતના ન્યાયપાલિકાના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ દિવસ તરીકે છે. આ વિષય ઉપર સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે તમામ લોકોની ભાવનાઓ અને રજુઆતોને ધૈર્ય સાથે અને ગંભીરતાપૂર્વક સાંભળી હતી.

              સમગ્ર દેશ માટે ખુશીની બાબત એ પણ છે કે આ ચુકાદો સર્વસંમતિથી આવ્યો છે. એક નાગરિક તરીકે અમે સારી રીતે જાણીએ છીએ કે પરિવારમાં નાના મામલાને ઉકેલવા માટે પણ ઘણી મુશ્કેલીઓ આવતી રહી છે. આ કોઈ સરળ પ્રક્રિયા નથી. સુપ્રિમ કોર્ટે આ ચુકાદાની પાછળ મજબૂત ઈચ્છાશક્તિના દર્શન કરાવ્યા છે. દેશના ન્યાયાધિશ, ન્યાયાલય અને અમારી ન્યાયિક પ્રક્રિયામાં તમામ લોકો આ ચુકાદા માટે અભિનંદનને પાત્ર છે. અયોધ્યા પર ચુકાદો નવમી નવેમ્બરના દિવસે જ આવ્યો છે. આજના દિવસનો સંદેશ જોડવા, જોડાઈ જવા અને મળીને સાથે ચાલવાનો છે. કોઈના પણ મનમાં દ્વેષભાવ છે તો તેને ખતમ કરીને આજથી નવા ભારતના નિર્માણ સાથે આગળ વધી જવાની જરૂર છે. નવા ભારતમાં ભય, કટ્ટરતા અને નકારાત્મકતા જેવી ચીજોને કોઈ સ્થાન નથી. કઠોરથી કઠોર નિર્ણયો કાયદાની હદમાં આવે છે.

(7:52 pm IST)