મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

કરતારપુર કોરીડોરને પંજાબમાં ખુલ્લો મુકતા પી.એમ. મોદી : માન્યો ઇમરાન ખાનનો આભાર

ગુરૂનાનક દેવજીના પપ૦ માં પ્રકાશપર્વ નિમિતે સમસ્ત શીખ સમુદાયને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી તા. ૯ : આજે કરતારપુર કોરીડોરનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પંજાબ ખાતે કરાયુ હતુ.

આ તકે શ્રી નરેન્દ્રભાઇએ કરતારપુર કોરીડોર ખોલવાની પહેલ બદલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શ્રી ઇમરાન ખાન નિયાજીનો આભાર વ્યકત કર્યો હતો. અહીં તેમણે જણાવેલ કે કતારપુર કોરીડોર સાથે ભારતની ભાવનાઓને સમજી ઇમરાનજીએ સન્માન આપવાનું અનુરૂપ કાર્ય કર્યુ.

તેમણે પ્રવચનમાં આગળ જણાવેલ કે ગુરૂનાનક દેવજીનો ૫૫૦ માં પ્રકાશ ઉત્સવ પહેલા ઇન્ટીગ્રેડ ચેકપોસ્ટ કતારપુર સાહિબ કોરીડોરને ખુલ્લો મુકાયો તે ખુશીની વાત છે. ગુરૂનાનક દેવજી ફકત શીખ પંથ કે ભારતની ધરોહર નહીં પણ પુરી માનવતાના પ્રેરણા પૂંજ છે. હુ તમામ શીખ ભાઇ બહેનોને આ અવસરે શુભકામનાઓ પાઠવુ છુ.

તેમણે જણાવેલ કે આ કોરીડોર બનવાથી ગુરૂદ્વારા દરબાર સાહેબના દર્શન હવે સરળ થઇ જાશે. હું પંજાબ સરકાર કે જેમણે આ ખુબ ઓછા સમયમાં આ કોરીડોરનું કાર્ય પૂર્ણ કરી બતાવ્યુ તે બદલ તેમનો પણ આભાર વ્યકત કરૂ છુ.

કહેવાય છે કે શબ્દ હંમેશા ઉર્જા બનીને વાતાવરણમાં પ્રસરે છે. કતારપુરમાં ગુંજેલ ગુરૂવાણીની ઉર્જા માત્ર શીખ ભાઇ બહેનોમાં નહીં પણ હરેક ભારતવાસીઓ ઉપર આશીર્વાદ વરસાવશે.

ગુરૂનાનક દેવજીએ સચ્ચાઇ અને ઇમાંદારીના માર્ગ પર ચાલવાનો સંદેશો આપ્યો છે. તેમણે એવુ પણ કહેલુ કે ધન તો આવતુ જાતુ રહેશે પરંતુ સાચુ મુલ્ય હંમેશા  ટકી રહેશે. છેલ્લા એક વર્ષથી દેશ વિદેશમાં કીર્તન, કથા, પ્રભાતફેરી, લંગર જેવા આયોજનો ચાલી રહ્યા છે. તેમની પહેલા ગુરૂ ગોવિંદસિંહજીના ૩૫૦ માં પ્રકાશઉત્સવની ઉજવણી પણ આવી જ ભવ્યતા સાથે કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેનાથી દુનિયાભરમાં વસતા શીખ પરિવારોને મોટો લાભ થશે. કેટલા વર્ષોથી કટલાક લોકોને ભારતમાં આવવા માટે મુશ્કેલી પડતી હતી. હવે એ મુશ્કેલીઓ દુર થઇ છે.

મોદીજી બપોરે ૧ વાગ્યે કરતારપુર ગલિયારેનું ઉદ્દઘાટન કરવા આવી પહોંચ્યા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિંહ તથા કેન્દ્રીય મંત્રી હરસિમરત અને બાદલજી ઉપસ્થિત રહ્યા હતા.  તા. ૧૨ નવેમ્બરે ગુરૂનાનક જયંતિ છે. તેના ઉપલક્ષમાં ત્રણ દિવસ પુર્વે આ કોરીડોરનું ઉદ્દઘાટન કરાયુ હતુ. આ ગલિયારેના માધ્યમથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કરતાનપુર સાહીબ ગુરૂદ્વારા જવા માટે શીખ તીર્થયાત્રીઓના પહેલા જથ્થાને રવાના કરવામાં આવેલ.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ શનિવારે કરતારપુર આવી પહોંચ્યુ હતુ. એ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ કરતારપુર કોરીડોરની ચેકપોસ્ટનું ઉદ્દઘાટન કરેલ.  અહીં શ્રધ્ધાળુઓ માટે પંડાલ અને તંબુ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૦ હજાર તીર્થયાત્રીઓની ક્ષમતા ધ્યાને લઇ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં રસોઇઘર સહીત આધુનિક સુવિધાઓ પુરી પડાશે.

(4:02 pm IST)