મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

'રાગ ભીમપલાસી' જો ૧૦ થી ૧૨ મિનિટ સાંભળવામાં આવે તો ચિંતા હળવી થાયઃ MS યુનિ.નું રિસર્ચ

૬૦ વર્ષથી ઉપરના લોકોમાં આ રાગની સારી અસર થાય

નવી દિલ્હી, તા.૯: ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કુલ નવ રસ છે. શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદભૂત રસ અને શાંત રસ. સંગીત માનવીના શરીર પર સકારાત્મક અસર કરે છે એવું આપણે અત્યારસુધી સાંભળ્યું છે અને કેટલીયવાર તેનો અનુભવ પણ કર્યો છે. શાંત રસનો એક રાગ છે રાગ ભીમપલાસી, આ રાગ જો ૧૦થી ૧૨ મિનિટ માટે સાંભળવામાં આવે તો તે તમારી ચિંતાને હળવી કરી શકે છે.એમ.એસ. યુનિવર્સિટીના માસ્ટરની વિદ્યાર્થિની કરેલા રિસર્ચ પ્રમાણે ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ઘોમાં આ રાગની એક સારી અસર થાય છે.રાગ ભીમપલાસી કે જેને બપોર પછીના સમયગાળામાં (2pm to 4pm)સાંભળવામાં આવે છે તેનાથી વડોદરાના વૃદ્ઘાશ્રમમાં અસ્વસ્થતાથી પીડાતા વૃદ્ઘોમાં ચિંતાનું પ્રમાણ દ્યટેલુ જોવા મળ્યું.

ફેકલ્ટી ઓફ એજયુકેશન એન્ડ સાયકોલોજીમાં માસ્ટર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતી સાયકોલોજીની વિદ્યાર્થિની નિશા માતાણીએ આસિસ્ટન્ટ પ્રોફેસર અને ફેકલ્ટી ઓફ પફાર્િેર્મંગ આર્ટ્સમાં સિતારવાદક નિતિન પરમાર પાસે આ રાગનું રેકોર્ડિંગ કરાવ્યું હતું.

'વડોદરાના અલગ-અલગ વૃદ્ઘાશ્રમમાંથી ૬૦ જેટલા વૃદ્ઘ વ્યકિતઓનું સિલેકશન કરવામાં આવ્યું હતું અને તેમની ચિંતાનું પ્રમાણ માપવામાં આવ્યું હતું. તેમને બે અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. એક એકસપેરિમેન્ટલ ગ્રુપ અને બીજું કંટ્રોલ ગ્રુપ' તેમ રિસર્ચને ગાઈડ કરનાર અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ગિતાંજલિ રોયે જણાવ્યું.

'એકસપેરિમેન્ટલ ગ્રુપમાં રહેલા વૃદ્ઘોએ ૨૦ દિવસ સુધી ભીમપલાસિ રાગ (શાંતિ રસ) સાંભળ્યો. કંટ્રોલ ગ્રુપને કોઈ પ્રકારનું સંગીત આપવામાં નહોતું આવ્યું. ૨૦ દિવસ બાદ બંને ગ્રુપના સભ્યોમાં ચિંતાનું પ્રમાણ માપવામાં આવ્યું, જેમાં એકસપેરિમેન્ટલ ગ્રુપના વૃદ્ઘોમાં ચિંતાનું પ્રમાણ ઘણું ઘટેલું જોવા મળ્યું' તેમ રોયે કહ્યું.

સંગીત સાંભળ્યું તે પહેલા એકસપેરિમેન્ટલ ગ્રુપના સભ્યોમાં ચિંતાનું પ્રમાણ ૬૨.૫ ટકા હતું જે હામિલ્ટન એગ્ઝાયટિ રેટિંગ સ્કેલ (HAM-A)દ્વારા માપવામાં આવ્યું હતું. રાગ ભીમપલાસી સાંભળ્યા બાદ ચિંતાનું પ્રમાણ ઘટીને ૫૭.૫૭ ટકા થઈ ગયું હતું.જેમણે આ રાગ સાંભળ્યો તેઓ ખુશી, હળવાશ, શાંતિ અને તાજગી અનુભવતા હતા. 'આ રાગ સાંભળીને તેમને કોઈ સુંદર જગ્યાએ બેઠા હોય તેવો અને ભગવાનની હાજરીની સાથે એક સકારાત્મકતાનો અનુભવ થયો' તેમ સ્ટડીમાં જણાવાયું છે.

આ સ્ટડીમાં મગજના ન્યુરોનમાં સકારાત્મક અસર થઈ કારણ કે તેણે એકસપેરિમેન્ટલ ગ્રુપમાં શાંતિ ઊભી કરી હતી જયારે કંટ્રોલ ગ્રુપના સભ્યો તેમનું નિયમિત જીવન જીવતા હતા.

આ રિસર્ચનો હેતુ વૃદ્ઘોની સારવાર નોન-મેડિસિન રીતે શોધવાનો હતો. 'દેશમાં મોટાભાગે ચિંતાને લઈને નિદાન કરવામાં આવતું નથી અને જો નિદાન કરવામાં આવે તો પછી પેન કિલર જેવી સૂચિત દવાઓ દ્વારા થાય છે. પરંતુ અમારા રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે જો સ્થિતિ ખૂબ ગંભીર નથી તો સંગીત ચિંતાનું પ્રમાણ ઘટાડી શકે છે'. તેમ રોયે કહ્યું.

(3:49 pm IST)