મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્યા ચુકાદાને કોઈની પણ જીત કે હારની દ્રષ્ટિએ ના જોવો જોઈએઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા.૯: સુપ્રીમ કોર્ટના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પરના ઐતિહાસિક ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને કોઈ એકની જીત કે હારની દ્રષ્ટિએ ના જોવો જોઈએ. પીએમ મોદીએ દેશવાસીઓને શાંતિ, એકતા અને સૌહાર્દ જાળવવા માટે અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે જે ચુકાદો આપ્યો છે તે મુજબ વિવાદિત સ્થળે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કરશે. જયારે સુન્નિ વકફ બોર્ડને અન્ય સ્થળે વૈકલપિક પાંચ એકર જમીન મસ્જિદના નિર્માણ માટે આપવા આદેશ આપવામાં આવ્યો હતો.

રામ અથવા રહીમની ભકિત ભલે કરતા હો, પરંતુ હવે દરેક માટે દેશભકિતને વધુ મજબૂત કરવાનો સમય આવી ગયો છે. પીએમ મોદીએ અયોધ્યા ચુકાદાને લઈને શ્રેણીબદ્ઘ ટ્વીટ કર્યા હતા. તેણે અયોધ્યાના ચુકાદાને બિરદાવતા જણાવ્યું હતું કે આ ચુકાદાથી દેશવાસીઓમાં ન્યાયપ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થશે. ન્યાયના મંદિરે (સુપ્રીમ કોર્ટે) સદીઓ જૂના વિવાદને સરળતાથી ઉકેલ્યો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

(3:40 pm IST)