મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

નિર્મોહી અખાડાનો દાવો શું હતો? જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

સુપ્રીમ કોર્ટમાં નિર્મોહી અખાડા એ 'રામ લલા'નો દાવો ફગાવવાની માંગ સાથે જણાવ્યું હતું કે અયોધ્યા વિવાદમાં જમીન તેમને આપવામાં આવે કારણ કે તેઓ રામલલાના એકમાત્ર ઉપાસક છે

નવી દિલ્હી, તા.૯ સુપ્રિમ કોર્ટેએ અયોધ્યા મામલે શિયા વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. આ મામલે કોર્ટે બે પક્ષો રામ લલા બિરાજમાન અને સુન્ની વકફ બોર્ડની દલીલો પર નિર્ણય આપ્યો છે. કોર્ટે ૪૦ દિવસની સુનાવણી દરમિયાન નિર્મોહી અખાડાને જણાવ્યું હતું કે દેવતા પ્રત્યે ઉપાસકનો દાવો કયારેય પ્રતિકૂળ નહીં હોય. કોર્ટે આ ટિપ્પણી નિર્મોહી અખાડાના એ દાવા પર કરી જેમાં કહેવવામાં આવ્યું હતું કે 'રામ લલા'નો કેસ ફગાવી દેવામાં આવે અને અયોધ્યામાં વિવાદીત જમીન પર તેમને દેવામાં આવે કારણ કે તેઓ રામલલાના એક માત્ર ઉપાસક છે.

આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે જો અખાડો 'રામ લલા બિરાજમાન'ના કેસને લડી રહ્યો છે તો તે રામલલાના સ્વામિત્વ વિરુદ્ઘ જઈ રહ્યો છે. તેઓ અદાલતને દેવતાના દાવાને ખારીજ કરવા માટે જણાવી રહ્યો છે. નિર્મોહી અખાડાએ દાવો કર્યો હતો કે વિવાદિત સ્થળ પર રામ લલા એક માત્ર ભકત છે, જેના પર કોર્ટે જણાવ્યું હતું કે જો આવું થાય તો અખાડો ૨.૭૭ એકર વિવાદિત જમીન પર સ્વામિત્વનો દાવો ન કરી શકે.

જોકે, અખાડા વતી દલીલ કરી રહેલા વરિષ્ઠ વકીલ સુશીલ જૈને કોર્ટની ટિપ્પણી પર જણાવ્યું હતું કે અખાડો ભકતના લીધે સંપત્ત્િ।નો કબજેદાર રહ્યો છે, જેથી તેના અધિકાર સમાપ્ત નથી થઈ જતા. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે અખાડાના વકીલની વાત પર આપત્ત્િ। જણાવતા કહ્યું હતું, 'જયારે તમે તમારા દેવતાના દાવાને ફગાવવાની માંગ કરી રહ્યા છો ત્યારે તમે તેમની વિરુદ્ઘ અધિકાર માંગી રહ્યા છો.

જૈને અદાલતને જણાવ્યું હતું કે રામ લલાની યાચિકા ૧૯૮૯માં આવી હતી પરંતુ અખાડાએ ૧૯૩૪માં આ જગ્યાએ કબ્જો જમાવી રાખ્યો હતો. તેમણે કહ્યું,'મે આ દલીલ આપી છે કે દેવતાનના હિતમાં આદેશ ફકત ઉપાસકના પક્ષમાં જ આપી શકાય છે' જૈનએ જણાવ્યું હતું કે નથી જે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો તે મુજબ ભગવાન રામનું જન્મસ્થાન 'કાનુની વ્યકિત' નથી અને અખાડાને દલીલ કરવાનો હક છે.

અદાલતે નિર્મોહી અખાડાના વકીલ જૈનને કહ્યું હતું કે તમને તમારા 'દેવતા'નો દાવો સાબિત કરવા માટે અમને પુરાવા આપવા પડશે. અમને તેને લગતા પ્રમાણ દર્શાવો જેના અંગે જૈને જણાવ્યું હતું કે 'કોઇ અન્ય પક્ષે અખાડાના દેવતાના ઉપાસક હોવાના દાવાને પડકાર ફેંકયો નથી. ૧૯૮૨માં એક ચોરી થઈ હતી જેમાં અખાડાના રેકોર્ડ ખોવાઈ ગયા હતા.

કોર્ટે આ દલીલો સ્વીકારી નહી અને શનિવારે પોતાના નિર્ણયમાં અખાડાના દાવાને ફગાવી દીધો. કોર્ટે દાવો ફગાવતા કહ્યું કે નિર્મોહી અખાડો રામ લાલાની મૂર્તિનો ઉપાસક અથવા અનુયાયી નથી. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની ખંડપીઠે તેમના નિર્ણયમાં કહ્યું કે નિર્મોહી અખાડાનો દાવો કાયદાકીય સમય મર્યાદા અંતર્ગત પ્રતિબંધીત છે.

(3:37 pm IST)