મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

સુપ્રીમનો રામ મંદિર બનાવવાનો ચુકાદો એ લાખો કાર્યકરોના બલિદાનને સલામી છેઃ તોગડિયા

વીહિપ દ્વારા ચુકાદાની કોઈ ઉજવણી કરવામાં નહીં આવેઃ અધ્યક્ષ

નવી દિલ્હી, તા.૯: વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ સુપ્રીમ કોર્ટના રામ મંદિર નિર્માણની તરફેણના ચુકાદાને વધાવતા જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો એ લાખો કાર્યકરોના બલિદાનને સલામી સમાન છે.

સુપ્રીમ કોર્ટે આજરોજ મહત્વના ચુકાદો જાહેર કરતા અયોધ્યામાં વિવાદિત ૨.૭૭ એકર જમીનનો કબ્જો રામલલાને સોંપવા આદેશ આપ્યો હતો. જયારે મુસ્લિમોને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવા કેન્દ્રને નિર્દેશ કર્યો હતો. 

'રામ મંદિર હવે એ જ સ્થળે બનશે જયાં ભગવાન રામનો જન્મ થયો હતો એ ૪૫૦ વર્ષથી હિન્દુઓની આ માંગ રહી હતી. આ જ સ્થળે મંદિર નિર્માણ માટે લાખો હિન્દુઓએ તેમના જીવન, કારકિર્દી અને પરિવારનું બલિદાન આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટે આ જમીન રામલલા ન્યાસને સોંપવાનો ચુકાદો આપ્યો છે જે આ તમામના બલિદાનને સલામી છે,'તેમ તોગડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દરમિયાન તોગડિયાએ કેન્દ્ર સરકારને પણ આ શહીદોના બલિદાનની નોંધ લેવા રજૂઆત કરી હતી. વીહિપના નેતા શરદ શર્માએ જણાવ્યું કે, સરકાર અયોધ્યામાં વહેલી તકે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ છે. શર્માએ આ ચુકાદાને સત્યની જીત સમાન ગણાવ્યો હતો તેમજ તમામ લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. વીહિપ દ્વારા આ ચુકાદાની કોઈ જ ઉજવણી કરવામાં નહીં આવે કે સરદ્યસ પણ યોજવામાં નહીં આવે.

(3:37 pm IST)