મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

મસ્જિદની નીચે મળ્યા હતા મંદિરના પુરાવા, હિંદુઓની આસ્થા પર કોઈ જ વિવાદ નહીં

બહારના પરિસર પર પહેલાથી હિન્દુ પક્ષનો કબજો હતોઃ CJIએ કહ્યું- એએસઆઈના રિપોર્ટ પર સવાલ ના ઉઠાવી શકીએ : રામનો જન્મ અયોધ્યામાં થયો તેના પર વિવાદ નથીઃકોર્ટે જણાવ્યું, ઇતિહાસ જણાવે છે અયોધ્યામાં હતું જન્મસ્થળ

નવી દિલ્હી, તા.૯: રામ જન્મભૂમિ વિવાદ પર ચુકાદા સંભળાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બાબરી મસ્જિદનો ઢાંચાની નીચે મંદિર હોવાના પુરાવા મળ્યા હતા. આ મામલામાં ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ના રિપોર્ટને નકારવામાં આવી શકે તેમ નથી. કોર્ટે જણાવ્યું છે કે પુરાવા જણાવે છે કે બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી અને ખોદકામમાં મસ્જિદની નીચે ગેર ઈસ્લામિક ઢાંચો મળ્યો છે.

સૂત્રોના મતે જસ્ટિસે ચુકાદા વાંચતા જણાવ્યું કે બાબરી મસ્જિદના ઢાંચાની નીચે મંદિરના પુરાવા મળ્યા હતા. કોર્ટે જણાવ્યું કે, એએસઆઈના રિપોર્ટ પ્રમાણે મસ્જિદની નીચે ૧૨મી સદીના મંદિરના પુરાવા મળ્યા હતા.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, હિન્દુ અયોધ્યામાં ભગવાન રામનું જન્મ સ્થાન માનતા રહ્યા છે, તે તેમની ધાર્મિક ભાવનાઓ છે. મુસ્લિમ તેને બાબરી મસ્જિદ કહે છે. અહીં હિન્દુઓનો એવો પણ વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, તેના પર કોઇ વિવાદ નથી.

સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો વાંચતા જણાવ્યું કે, હિન્દુઓનો વિશ્વાસ અને આસ્થા છે કે ભગવાન રામનો જન્મ સ્થળ ગુંબટના નીચે છે. આસ્થા વ્યકિત વિશ્વાસનો મુદ્દો છે. કોર્ટે માન્યું કે આ કેસમાં આસ્થા અને વિશ્વાસના આધાર પર નહીં પરંતુ દાવાના આધારે નક્કી કરવામાં આવે છે. ઐતિહાસિક તથ્ય આ વાતનું પ્રમાણ આપે છે કે અયોધ્યામાં જ ભગવાન રામનું જન્મસ્થળ હતું.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ વાતનો પુરાવો છે કે સીતા રસોઇ અને રામ ચબૂતરાની પુજા હિન્દુ દેશમાં અંગ્રેજો આવ્યા તે પહેલાથી કરતા આવ્યા છે. રેકોર્ડ્સ પરથી જાણવા મળે છે કે વિવાદિત પરિસરના બહારી ભાગ પર હિન્દુ પક્ષનો કબજો હતો.

તમને જણાવી દઇએ કે, મુસ્લિમ પક્ષના વકીલોએ સુનાવણી દરમિયાન એએસઆઈના રિપોર્ટ પર એવું કહીને સવાલો ઉઠાવ્યા હતા કે પુરાતત્વ વિભાગના નિષ્કર્ષ અનુમાનો પર આધારિત હોય છે અને તેને વૈજ્ઞાનિક ના માની શકાય. ચુકાદાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે સૌથી પહેલા બાબરી મસ્જિદ પર શિયા વકફ બોર્ડના દાવાને નકારી દીધો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું, અમે ધર્મ શાસ્ત્રમાં ના જઇ શકીએ. તથ્ય એવા પણ છે કે બાબરી મસ્જિદનું નિર્માણમીર બાકીએ કરાવ્યું હતું.

ચીફ જસ્ટિસના ચુકાદો વાંચતા જણાવ્યું કે કોર્ટે લોકોની આસ્થા અને વિશ્વાસને સ્વીકારવી પડશે. કોર્ટે સંતુલન બનાવી રાખવું જોઇએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જમીન પર નહોતું થયું. આ મામલામાં એએસઆઈના રિપોર્ટને નકારી શકાય તેમ નથી.

(3:33 pm IST)