મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

મૂડીઝના ભારતીય આર્થિક વિકાસના નેગેટિવ આઉટલૂકથી ભારતનાં શૅરબજારને તેજી અટકી

બીએસઇ માર્કેટનું કેપિટલાઈઝેશન 1,57,903 કરોડ રૂપિયા ઘટી 152.72 લાખ કરોડ રૂપિયા રહ્યું

મુંબઈ : વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો આર્થિક વિકાસનો અંદાજ સ્થીરથી ઘટાડી નકારાત્મક કર્યો હતો. આ પછી ભારતીય બજાર ઘટાડા સાથે ખૂલ્યાં હતાં પણ તેની અવગણના કરી બૅન્કિંગ શૅરોમાં જોરદાર ખરીદીના સહારે બજાર મક્કમ ગતિએ નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યાં હતાં. સેન્સેક્સ વધુ એક વખત વિક્રમી સપાટી સુધી પહોંચ્યો હતો, પણ છેલ્લી 45 મિનિટમાં જોરદાર વેચવાલીના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ આવ્યા હતા.

  વિદેશી સંસ્થાઓની સતત ખરીદીની અસર પણ બજારને તારવી શકી નહીં. છેલ્લી મિનિટોની વેચવાલીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન શુક્રવારે 1,57,903 કરોડ રૂપિયા ઘટી 152.72 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. વિક્રમી 40,749.33 ની નવી ઊંચાઈએ પહોંચેલો ઇન્ડેક્સ દિવસના અંતે 330.13 પૉઇન્ટ કે 0.81 ટકા ઘટી 40,323.61 ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી 12,034ની ઊંચાઈથી સરકી દિવસના અંતે 103.90 પૉઇન્ટ કે 0.86 ટકા ઘટી 11,908.15 ની સપાટીએ બંધ આવ્યો હતો.

   વિદેશી સંસ્થાઓએ સતત ચાર દિવસથી ભારતીય શૅરબજારમાં ખરીદી ચાલુ રાખી છે. આજે પણ ૯૩૨.૨૦ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા અને કુલ ચાર દિવસમાં ૩૩૪૩.૪૬ કરોડ રૂપિયાના શૅર ખરીદ કર્યા છે. સામે સ્થાનિક સંસ્થાઓની સતત વેચવાલી જોવા મળી રહી છે. તેમણે આઠ દિવસમાં ૪૭૫૩.૬૪ કરોડના શૅર વેચ્યા છે. આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટરમાંથી માત્ર નિફ્ટી બૅન્ક, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક અને રીઅલ્ટી ઇન્ડિકામાં વધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૪૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૯૮ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

(12:07 pm IST)