મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

મોદી, રાહુલ, માયાવતી જેવા નેતાઓએ રામલલાના દર્શન નથી કર્યા

૨૭ વર્ષમાં બે મુખ્ય પ્રધાનોએ કર્યા રામલલાના દર્શન

લખનૌ/અયોધ્યા, તા. ૯ :. ૧૯૯૨માં અયોધ્યામાં વિવાદીત ઢાંચો પાડી નખાયા પછી અત્યાર સુધીમાં મોટા નેતાઓએ રામલલા વિરાજમાનના દર્શનથી અંતર જાળવી રાખ્યું છે. ગત ૨૭ વર્ષમાં નરેન્દ્ર મોદી, મુલાયમસિંહ યાદવ, માયાવતી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ પણ રામલલાના દર્શને નથી ગયા. આ સાથે જ ૨૭ વર્ષમાં યોગી ભાજપાના એવા બીજા મુખ્યપ્રધાન છે. જેમણે રામલલાના દર્શન કર્યા છે. તેમની પહેલા ૨૦૦૨માં રાજનાથસિંહે મુખ્યપ્રધાન તરીકે અયોધ્યા પ્રવાસ દરમ્યાન રામલલાના દર્શન કર્યા હતા.

વડાપ્રધાન મોદી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે એક રેલી કરવા અયોધ્યા ગયા હતા પણ રેલી પુરી થતા જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા અખિલેશ યાદવ પણ ચૂંટણી પ્રચાર માટે રેલીને સંબોધિત કરવા અયોધ્યા ગયા હતા, પણ તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં રામલલાથી અંતર જાળવી રાખ્યુ હતું.

રાહુલ ગાંધી સપ્ટેમ્બર ૨૦૧૭માં અયોધ્યા ગયા હતા. તેમણે હનુમાન ગઢીમાં ભગવાનના આશિર્વાદ લીધા હતા પણ વિવાદિત જન્મભૂમિ પર નહોતા ગયા. ૧૯૯૨ પછી અયોધ્યા પહોંચનાર ગાંધી પરિવારના તે પહેલા સભ્ય હતા. ત્યાર પછી લોકસભા ચૂંટણી વખતે ૨૯ માર્ચે પ્રિયંકાએ અયોધ્યાની મુલાકાત લીધી હતી પણ રામલલાથી તેણે પણ અંતર જાળવી રાખ્યુ હતું.

૪ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચુકેલા માયાવતીએ પણ અયોધ્યાથી અંતર રાખ્યુ હતું. પોતાના કાર્યકાળ દરમ્યાન ન તો તેમણે હનુમાન મઢીના દર્શન કર્યા, ન રામલલાના.

અયોધ્યાના સીનીયર પત્રકાર વિષ્ણુ નિવાસ દાસ કહે છે કે મોદી અયોધ્યા આવીને પણ રામલલાના દર્શન કરવા ન ગયા તેનું કારણ એ છે કે તેઓ એમ દેખાડવા માગે છે કે અમે બધા વર્ગો માટે કામ કરીએ છીએ. જ્યારે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ ચોખ્ખુ કહ્યું હતું કે રામલલાનો કેસ કોર્ટમાં છે અને જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી અમે ત્યાં નહી જઈએ. સપા-બસપા નેતા પોતાના ચૂંટણી એજન્ડા હેઠળ રામલલાના દર્શન નથી કરતા કેમ કે તેમને મુસ્લિમ મતોની ચિંતા છે.

(11:46 am IST)