મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ચુકાદાને પગલે મંદિરોમાં પૂજા કરવા સંઘનો સ્વયંસેવકોને નિર્દેશ

રેલીઓથી દૂર રહેવા, કોમી સંવાદિતા જળવાય તે માટે ધ્યાન રાખવા આદેશ આદેશ

મુંબઈ,તા.૮: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અયોધ્યા અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તો તેની ઉજવણી મુંબઈમાં કેવી રીતે કરવી તે અંગે તેના સ્વયંસેવકો સાથે એક ગુપ્ત બેઠક યોજી હોવાનું જાણવા મળ્યું છે.

આર.એસ.એસ.ની મુંબઈ પાંખના અંતર્ગત વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે જો ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવે તેમની નજીક આવેલા મંદિરોમાં પૂજા કરવાનું આયોજન કરવા જણાવાયું છે.આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઉજવણી કેવી રીતે કરવીએ અંગે ચર્ચા થઈ હતી. આમ છતાં તેમને કોઈ પ્રકારની રેલીઓ નહીં યોજવા જણાવ્યું છે. આ ઉપરાંત હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની શાંતિમાં કોઈ પ્રકારની વિસંવાદિતા સર્જાય એવા કોઈપણ પ્રકારના મેસેજ સરકયુલેટ નહીં કરવા એવું સ્પષ્ટ જણાવાયું છે. આ સાથે એમ પણ જણાવાયું છે કે આવા પ્રકારના કોઈપણ સંદેશા જોવા મલે તો તત્કાળ સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કરવો અને તોફાન જેવી પરિસ્થિતિ નહીં ઉદ્ભવે તેનું ધ્યાન રાખવું.

તેમણે એ વાતનો પુર્નરુચ્ચાર કર્યો હતો કે આરએસએસ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન આપશે. એવું જાણવા મળ્યું છે કે આર.એસ.એસ.ના નેતાઓની બંધબારણાની આ બેઠક મુંબઈ બહાર યોજાઈ હતી. જો કે તાજેતરમાં એક બેઠક જોગેશ્વરીમાં યોજાઈ હતી. ભૂતકાળમાં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારે જોગેશ્વરીની રાધાબાઈ ચાલ ભડકે બળી હતી. એક રૂમમાં છ જણાં બળીને ભડથું થયા હતા. અયોધ્યા વિવાદ અંગે મુંબઈમાં ૧૯૯૩માં રમખાણ ફાટી નીકળ્યા હતા. સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું કે ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખતા આ વિસ્તારમાં ખાસ ધ્યાન રાખો અને કંઈક બને તો તત્કાળ પોલીસને એની જાણ કરો.

દરમિયાન, મુંબઈના પોલીસ કમિશ્નર સંજય બર્વેએ અયોધ્યાના ચુકાદા પછી શહેરમાં શાંતિ અને કોમી સંવાદિત જળવાઈ રહે એ માટે ગુરૂવારે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને આ અંગેની એક સભા દક્ષિણ મુંબઈમાં આવેલા હજ હાઉસમાં યોજી હતી, જેમાં મુસ્લિમો હાજર રહ્યા હતાં. શહેરમાં કરવામાં આવેલી સલામતી વ્યવસ્થાની રાજભવનમાં રાજયપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા છે.

(11:41 am IST)