મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

લગ્ન પછીના 'પારિવારિક સમસ્યા ' ભારતીયોમાં આત્મહત્યા માટે સૌથી મોટું કારણ:શહેરોમાં વધુ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ પારિવારિક સમસ્યાને કારણે આત્મહત્યાનું પ્રમાણ 29,2 ટકા જયારે બીમારીને લીધે 17.1 ટકા

 

નવી દિલ્હી:ભારતીયો દ્વારા આત્મહત્યા કરવાના સૌથી મોટા કારણોમાં લગ્ન પછી પારિવારિક સમસ્યાઓ અને બીમારીઓ હોવાનો ખુલાસો થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ 2015ની સરખામણીએ 2016માં સમગ્ર દેશમાં આત્મહત્યાના કેસોમાં ઘટાડો થયો હતો. 2015માં પ્રતિ એક લાખ વસ્તી પર આત્મહત્યાનું પ્રમાણ 10.6 ટકા હતું જે 2016માં ઘટીને 10.3 ટકા પર આવ્યું હતું.

જો કે રાષ્ટ્રીય સ્તરે 10.3 ટકાના પ્રમાણની સરખામણીએ 2016માં શહેરોમાં આત્મહત્યાનું પ્રમાણ 13 ટકા નોંધવામાં આવ્યું હતું.

આંકડાઓ જાહેર કરતા NCRB સ્પષ્ટતા કરી હતી કે, આત્મહત્યા કરવા પાછળ સૌથી મોટા કારણોમાં લગ્ન પછી પારિવારિક સમસ્યાઓ છે જેના લીધે આત્મહત્યાનું પ્રમાણ 29.2 ટકા છે. બીમારીને કારણે આત્મહત્યા કરવાનું પ્રમાણ 17.1 ટકા છે. સિવાય લગ્નને કારણે 5.3 ટકા આત્મહત્યાનું પ્રમાણ ત્રીજા સ્થાને છે. જ્યારે ચાર ટકા લોકો કેફી પદાર્થો કે દારુના સેવનને કારણે આત્મહત્યા કરે છે.

ભારતમાં દુર્ઘટનાગ્રસ્ત મોત અને આત્મહત્યા સંબંધી વાર્ષિક રિપોર્ટમાં 36 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત રાજ્યો અને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા 53 મહાનગરોના આંકડાઓને એકત્રિત કરીને એનસીઆરબી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

  એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ દુર્ઘટનામાં થતી મોતના પ્રમાણમાં કોઇ ફેરફાર આવ્યો નથી, જે 2016માં પ્રતિ એક લાખ વસ્તી પર 32.8 ટકા હતું. અહેવાલ મુજબ 2016માં 8,684 લોકોનાકુદરતી કારણોસર મોત થયા હતા, જેમાં 38.2 ટકા મોત વીજળી પડવાને કારણે, 15.4 ટકા મોત લૂ લાગવાને કારણે અને 8.9 ટકા મોત પૂરને કારણે થઇ હતી. વર્ષ 2016માં કુલ 4,09,537 લોકોની મૃત્યુ અન્ય દુર્ઘટનાઓમાં થઇ હતી, જેમાં સૌથી વધારે 43.3 ટકા મોત રોડ અકસ્માતમાં થયા હતા. પ્રમાણમાં 10.2ટકા આકસ્મિક મોત, 7.3 ટકા પાણીમાં ડૂબવાને કારણે, 5.9 ટકા મોતઝેરને કારણે, 4.1 ટકા મોત આકસ્મિક આગ લાગવાને કારણે થયા હતા.

 

(1:07 am IST)