મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

કરતારપુર કોરિડોરનું કાલ ઉદ્ઘાટન : શ્રદ્ધાળુઓ ઉત્સુક

વડાપ્રધાનનરેન્દ્ર મોદી આઈસીપીનું વિધિવત ઉદ્ઘાટન કરશે : કરતારપુર કોરિડોર ખુલે તે પહેલા પાકિસ્તાન દ્વારા ગુલાંટ મારીને પ્રથમ દિવસે જ ૨૦ ડોલરની ફી લેવાની જાહેરાત

નવીદિલ્હી, તા. ૮ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કરતારપુર કોરિડોરનું આવતીકાલે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ગુરુનાનકની ૫૫૦મી જન્મજ્યંતિ પ્રસંગે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાને ભારતને કહી દીધું છે કે, કરતારપુર કોરિડોર મારફતે આવનાર લોકો પાસેથી ૨૦ ડોલરની ફી લેવામાં આવશે. પાકિસ્તાની વડાપ્રધાને ગયા સપ્તાહમાં કહ્યું હતું કે, કોરિડોર શરૂ થવાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ પાસેથી કોઇ ફી લેવામાં આવશે નહીં પરંતુ હવે પાકિસ્તાને ગુલાંટ મારીને પ્રથમ દિવસે પણ ૨૦ ડોલરની ફી લેવાનો નિર્ણય કર્યો છે. કરતારપુર કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનકને કરતારપુરમાં દરબાર સાહિબ સાથે જોડી દેશે.

           કરતારપુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લામાં સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદથી ચાર કિલોમીટરના અંતરે સ્થિત છે. બંને દેશો વચ્ચે ખુબ જ ખરાબ સંબંધ રહ્યા હોવા છતાં ભારત અને પાકિસ્તાને કઠોર મંત્રણા બાદ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. આની સાથે જ આવતીકાલે ૯મી નવેમ્બરના દિવસે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતારપુર કોરિડોરના ઇન્ટેગ્રેટેડ ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કરશે. મોદી પંજાબમાં ગુરદાસપુર ખાતે ડેરાબાબા નાનક ખાતે ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન પહેલા મોદી સુલ્તાનપુર લોધી ખાતે ગુરુદ્વારામાં દર્શન પણ કરશે. પીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડેરાબાબ નાનક ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

                આઈસીપીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ગુરુદ્વારા કરતારપુર સાહિબ જવા ભારતીય શ્રદ્ધાળુઓ માટે માર્ગ ખુલી જશે. ઝીરો પોઇન્ટ પર કોરિડોરના ઓપરેશન માટે રુપરેખાને લઇને ૨૪મી ઓક્ટોબરે પાકિસ્તાન સાથે ભારતે સમજૂતિ કરી હતી. ૨૨મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે કેન્દ્રીય કેબિનેટે ગુરુનાનક દેવની જન્મજ્યંતિને ભવ્યરીતે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. મળેલી માહિતી મુજબ કોરિડોરની શરૂઆત થયા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન માટે પહોંચી શકશે. કોરિડોરનું ઉદ્ઘાટન થયા બાદ ભારતીય શ્રદ્ધાળુ થોડાક મિનિટ ચાલ્યા બાદ જ કરતારપુર પહોંચી શકશે. કરતારપુરમાં જ ગુરુનાનક દેવે શીખ ધર્મની સ્થાપના કરી હતી અને પોતાના જીવનનો એક લાંબો હિસ્સો ત્યાં જ ગાળ્યો હતો. આ દ્રષ્ટિથી કરતારપુર સાહિબ શીખ માટે ખુબ મહત્વપૂર્ણ છે. સપ્ટેમ્બર ૨૦૦૪માં મનમોહનસિંહે કરતારપુર મામલે વાત કરવાની ખાતરી કરાઈ હતી પરંતુ ત્યારબાદથી સંબંધો સતત ખરાબ થયા હતા.

(12:00 am IST)