મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

સીજેઆઈ દ્વારા સુરક્ષા પાસા પર સ્પષ્ટ સૂચનાઓ અપાઈ

યુપીના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે વાતચીત : લોકોની સુરક્ષાની ખાતરી કરવા તૈયારી છે : મુખ્ય સચિવ

નવીદિલ્હી, તા. ૮ : અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં ઐતિહાસિક ચુકાદા પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે ઉત્તરપ્રદેશના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરી હતી. જસ્ટિસ ગોગોઈએ પ્રદેશના ડીજીપી ઓપી સિંહ અને મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારી સાથે વાતચીત કરી હતી. તેમને દિલ્હી બોલાવ્યા હતા. આ ગાળા દરમિયાન તેઓએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આદેશ કર્યો હતો. સીજેઆઈ સાથે વાતચીત બાદ મુખ્ય સચિવે કહ્યું હતું કે, અમે લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. સુરક્ષા વ્યવસ્થાની સતત સમીક્ષા થઇ રહી છે. સીજેઆઈ સાથે શું વાતચીત થઇ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સીજેઆઈ દ્વારા ઉત્તરપ્રદેશના અધિકારીઓને તમામ પગલા લેવા અને સુરક્ષાની ખાતરી કરવા માટે કહ્યું છે. ચુકાદા બાદ ઉત્તરપ્રદેશમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેવી સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મોડી રાત્રે પ્રદેશના ડિવિઝનલ કમિશનરો, ડીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્રણ દિવસમાં ચુકાદો આવી શકે છે.

(7:39 pm IST)