મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

લોકોની મનોદશા જણાવી શકે છે તેમના ટ્વિટ્સઃ સંશોધકો

સોશિયલ મીડિયાની પોસ્ટથી એકલતા સામે લડી રહેલા લોકોની ઓળખ કરી શકાશે

વોશિંગ્ટન, તા. ૮ :. એકલા રહેવાથી ડિપ્રેશન, હૃદય સંબંધિત રોગ અને ડિમેન્શિયા તેમજ ઘણી અન્ય બીમારીઓ શરીરને ઘેરી લે છે, તેનાથી બચવા માટે એક ઉપાય એ હોઈ શકે કે આપણે લોકોની વચ્ચે રહીએ. વધુમાં વધુ મિત્રો બનાવીએ અને તેમની સાથે ઘણી બધી વાતો કરીએ. દર વખતે એવું શકય બનતુ નથી. એકલી રહેનાર વ્યકિત પોતાનામાં જ મશગુલ રહે છે. તેને દુનિયાદારી સાથે કોઈ સંબંધ નથી. આવા લોકોની જલદી ઓળખ પણ થઈ શકતી નથી.

હવે એક નવા અભ્યાસમાં સંશોધકોએ એકલતાનો શિકાર થયેલા લોકોની ઓળખની એક નવી રીત શોધી છે. સંશોધકોનો દાવો છે કે, લોકોની સોશિયલ મીડિયા પોસ્ટ વાંચીને અનુમાન કરી શકાય છે કે કઈ વ્યકિત એકલતા અનુભવે છે અને હાલમાં એકલી છે. લોકોના ટ્વિટ્સનો અભ્યાસ કરીને સંશોધકોએ કહ્યું કે આવા લોકોને સહારો આપવાથી તેમનું જીવન સુગમ બનાવી શકાય છે અને તેમને ઘણી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવવાથી બચાવી શકાય છે.

આ અભ્યાસમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ એ વિષયોને રેખાંકિત કર્યા છે, જેનો સંબંધ એકલતા સાથે હોય છે. સંશોધકોએ કહ્યું કે ટ્વિટર યુઝરની વોલમાં પોસ્ટ કરાયેલી સામગ્રીના વિષયને વાંચ્યા બાદ અનુમાન લગાવી શકાય છે કે યુઝરની મનોદશા શું છે ? પોસ્ટ કરાયેલી સામગ્રીના ભાષાના વિશ્લેષણના આધારે સંશોધકોને લાગ્યુ કે એકાકીપણાની પ્રવૃતિ એ લોકોમાં વધુ જોવા મળે છે, જે પોતાના સંબંધો, માનસિક પરેશાનીઓ અને અનિંદ્રા જેવા વિષયો પર વધુ પોસ્ટ કરે છે.

સંશોધકોએ એમ પણ જણાવ્યુ કે એકલતા સાથે જોડાયેલી સમસ્યાઓને પ્રગટ થવામાં દાયકાઓ લાગી જાય છે. તેથી તે કયારેક જીવલેણ પણ બની જાય છે. ધીમે ધીમે તે વ્યકિતને પોતાનામાં સમાવી લે છે. જો આપણે એકલી રહેતી વ્યકિતઓની સમસ્યાઓને ઓળખવામાં સક્ષમ થઈ જઈએ તો આ સમસ્યા એક હદ સુધી ઘટાડી શકાય છે. તેમની માનસિક સ્થિતિ અંગે અનુમાન લગાવીને તેમને ગંભીર બીમારીઓથી બચાવી શકીએ છીએ.

(3:49 pm IST)