મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

દુનિયામાં દર ત્રીજા બાળક માટે ભારતીય દવાનો ઉપયોગ થાય છે

ગુજરાત વર્ષે ૭૫ હજાર કરોડનો દવાઓનો વેપાર કરે છેઃ લાખો લોકોને રોજગારી

અમદાવાદ, તા.૮: ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ છે. દર વર્ષે ગુજરાત રૂ. ૭૫ હજાર કરોડનો દવાઓને વેપાર કરે છે. આ ઉદ્યોગ સીધી અને આડકતરી રીતે લગભગ ૧૭-૧૮ લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. ગુજરાતમાં જ ૪૨૦૦થી વધુ નોંધાયેલા ફાર્મા યુનિટ છે. ભારતમાં દવાઓનું જે રીતે ઉત્પાદન નિકાસ થઇ રહી છે તે જોતાં દુનિયાભરમાં હાલ દર ત્રીજા બાળક માટે ભારતીય દવાનો ઉપયોગ થઇ રહ્યો છે. 

ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગકારો નવી ટેકનોલોજી, નવી મશીનરી અંગે એક બીજા સાથે ચર્ચા કરે, એક બીજાની ટેકનોલોજી અપનાવી શકે તે માટે ફાર્મેક ઇન્ડિયા દ્વારા યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં ત્રિદિવસીય ફાર્મા એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન ગુરુવારે મેયર બિજલ પટેલે તથા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ.જી. કોશીયાએ ખૂલ્લુ મૂકયું હતું.

કોશીયાએ જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ દેશમાં દવાઓનું જે ઉત્પાદન થઇ રહ્યું છે તે જોતાં દુનિયામાં દર ત્રીજુ બાળક ભારતીય બનાવટની દવાનો ઉપયોગ કરી રહ્યું છે. ફાર્મેકના ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પરસ્પર ચર્ચા કરી એક બીજાની પોઝિટિવ બાબતો સ્વીકારશે.

ઓનલાઇન મેડિસિનનું પ્રમાણ હાલ ખાસ્સુ વધી ગયું છે તેથી ગુજરાતમાં ૩૯૬૦૦ મેડિકલ સ્ટોર્સનું અસ્તિત્વ જોખમમાં મૂકાઇ ગયું છે. આ સંદર્ભે મેડિકલ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા ઓનલાઇન મેડિસિન વેચાણના વિરોધમાં દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે અને સરકાર તે અંગે વિચારણા પણ કરી રહી છે.

ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે ચોક્કસ પ્રકારની દવાઓ, કે જે તબીબના પ્રિસ્કિપ્શન વગર ન આપી શકય, તેવી દવાઓ પ્રિસ્કીપ્શન વગર આપતા મેડિકલ સ્ટોર્સ સંચાલકો સામે પગલાં ભરાઇ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં ૨૦૦થી વધુ મેડિકલ સ્ટોર્સને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી અને દ્યણાના લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.

(3:26 pm IST)