મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

ફડણવીસે ત્રણ વખત ફોન કર્યોઃ ઉદ્ધવ ઠાકરે નથી કરી રહ્યા વાતચીત

ભાજપ-શિવસેનાની ખટાશને દુર કરવા મહારાષ્ટ્રના પ્રભાવશાળી વ્યકિત ભિડે ગુરુજી બન્યા મધ્યસ્થી

મુંબઇ,તા.૮:મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બનાવા માટે અંદરખાને કેટલીય કોશિષો ચાલી રહી છે. આ કોશિષમાં ઉદ્યોગપતિ સિવાય સામાજિક કાર્યકર્તા પણ લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે ભાજપ શિવસેનાની સરકાર બનાવા માટે દક્ષિણપંથી નેતા સંભાજી ભિડે પણ સક્રિય થઇ ગયા છે. તેઓ ભાજપ અને શિવસેનાની વચ્ચે મધ્યસ્થતા કરી રહ્યા છે. સૂત્રોના મતે સંભાજી ભિડે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેને મળવા માતોશ્રી આવ્યા હતા. જો કે તેમની મુલાકાત તો ના થઇ શકી, પરંતુ તેમનો સંદેશ શિવસેના પ્રમુખ સુધી પહોંચી ગયો છે. બીજીબાજુ સૂત્રોનું માનીએ તો ઉદ્ઘવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસના નામ પર કોઇપણ પ્રકારનો વિચાર કરવા તૈયાર નથી. રિપોર્ટના મતે છેલ્લા એક સપ્તાહમાં સીએમ ફડણવીસ ત્રણ વખત ઉદ્ઘવ ઠાકરે સાથે વાત કરવાની કોશિષ કરી ચૂકયા છે.

માતોશ્રી આવ્યા ભિડે ગુરૂજી સંભાજીને મહારાષ્ટ્રમાં ભિડે ગુરૂજીના નામથી ઓળખાય છે. તેઓ મહારાષ્ટ્રના ખૂબ જ પ્રભાવશાળી વ્યકિત મનાય છે. સીએમ ફડણવીસ અને ઉદ્ઘવ ઠાકરે તો તેમનું સમ્માન કરતા જ હોય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંભાજી ભિડેનો ખૂબ આદર કરે છે. સૂત્રોના મતે ભાજપ અને શિવસેનાની વચ્ચે આવેલ ખટાશને દૂર કરવા માટે ભિડે ગુરૂજી ખુદ માતોશ્રી આવ્યા હતા. સૂત્રો જણાવે છે કે જયારે ભિડે ગુરૂજી ત્યાં પહોંચ્યા તો ઉદ્ઘવ ઠાકરે ત્યાં હાજર નહોતા અને તેમની મુલાકાત થઇ શકી નહીં. પરંતુ ભિડે ગુરૂજી શિવસેના નેતા અને એમએલસી અનિલ પરબને મળ્યા. અનિલ પરબે તેમને વિશ્વાસ અપાવ્યો કે તેઓ ઉદ્ઘવ ઠાકરે સાથે વાત કરશે અને શિવસેના પ્રમુખ તેમને કયારે મળી શકે છે તેની વાતની માહિતી તેમણે આપી દેશે. ભિડે ગુરૂજી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્થાન નામનું સંગઠન ચલાવે છે.

દેવેન્દ્ર ફડણવીસની તરફથી પહેલી વખત જયારે ઉદ્ઘવ ઠાકરે સાથે વાત કરવા માટે ફોન કર્યો તો કહ્યું કે ઉદ્ઘવ ઠાકરે બીજા કોલ પર કોઇની સાથે વાત કરી રહ્યા છે. આ જ રીતે આ કોલ ખત્મ થઇ ગયો. દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત કોશિષ કરી અને એક વખત ફરીથી શિવસેના પ્રમુખને ફોન ગયો. આ વખતે ફડણવીસને જવાબ મળ્યો કે ઉદ્ઘવ ઠાકરે આરામ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સીએમે ઉદ્ઘવ ઠાકરેને ત્રીજી વખત કોલ કર્યો તો આ વખતે કહ્યું કે ઉદ્ઘવ સીએમ સાથે ખુદ વાત કરશે. એક સપ્તાહ દરમ્યાન ઉદ્ઘવ ઠાકરેને સીએમ ફડણવીસનો ત્રણ વખત કાઙ્ખલ ગયો.

ભાજપના સૂત્રોએ કહ્યું કે પાર્ટીએ ઉદ્ઘવ સુધી પહોંચવાના તમામ વિકલ્પોને અજમાવી જોયા છે. હવે સરકાર રચના માટે ભાજપ શિવસેનાના પ્રસ્તાવની રાહ જોઇ રહ્યું છે. બીજીબાજુ શિવસેના હજુ પણ કહી રહી છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમની પાર્ટીમાંથી જ હોવા જોઇએ, પરંતુ ભાજપ સીએમ પદ પર કોઇ પણ પ્રકારની સમજૂતી કરવા માંગતું નથી.

(12:58 pm IST)