મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

ડોક્ટર પતિ સાથે આડાસંબંધની શંકાએ ડો, પત્નીએ રિસેપ્સ્નિસ્ટ અને તેના દીકરાને જીવતા સળગાવ્યા

આગ સમયે હાજર ડો,સીમા અને તેના સાસુએ લોકોને કહ્યું અમે આગ લગાડી : ડો, સીમાએ પતિને ફોન કરીને બંનેને આગને હવાલે કર્યાની જાણ કરી

ભરતપુર : રાજસ્થાનના ભરતપુર સ્થિત શ્રીરામ ગુપ્તા મૅમોરિયલ હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ દીપા ઉર્ફે રીયા અને તેના આઠ વર્ષના દીકરા શૌર્યને અનૈતિક સંબંધની શંકાના આધારે જીવતા સળગાવી દેવાયા છે  બંને મદદ માટે બૂમો પાડતા રહ્યાં હતાં, પરંતુ મદદ માટે પહોંચેલો તેનો ભાઈ અનુજ કંઈ કરી શક્યો ન હતો અને તે પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દીપા અને શૌર્યનું મોત થયું છે અને અનુજને વધારે સારવાર માટે જયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

   ભરતપુર પોલીસના કહેવા પ્રમાણે મહિલા અને તેના પુત્રને જીવતા સળગાવી દેવાના કેસમાં પ્રાથમિક તપાસમાં ડૉક્ટર સુદીપ ગુપ્તાઅને મૃતક દીપા વચ્ચે અનૈતિક સંબંધો હોવાનું માલુમ પડ્યું છે. ડૉ સુદીપની પત્ની ડૉ સીમા ગુપ્તા અને તેની સાસુ સુરેખા ગુપ્તાની આગ લગાવવાના આરોપમાં અટકાયત કરી લેવામાં આવી છે.

    દીપા અને તેના દીકરાને આગ લગાવ્યા બાદ મકાનની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સમયે અહીં હાજર ડૉ સીમા અને તેની સાસુ સુરેખા લોકોને કહી રહ્યાં હતાં કે, અમે બંનેને આગ ચાંપી દીધી છે, તમે બચાવી શકતા હોય તો બચાવી લો. ઘટનાને નજરે જોનાર લોકોના કહેવા પ્રમાણે ડૉ સીમાએ પોતાના પતિને ફોન કરીને બંનેને આગના હવાલે કરી દીધાની જાણકારી આપી હતી. જે બાદમાં ડૉ સુદીપ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

દીપાના પાડોશીના જણાવ્યા પ્રમાણે આગની ઘટના પહેલા રસોડામાંથી અવાજ સંભળાયો હતો. દીપા મોટેથી પોતાના ભાઈને ઘરમાં આગ લાગી હોવાની વાત કહી રહી હતી. જે બાદમાં અનુજ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોતાના જીવની પરવા કર્યા વગર આગમાં કૂદી ગયો હતો. અનુજે બહેન અને ભાણીયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અનેક પ્રયાસ છતાં બંને બચી શક્યા ન હતા. હાલ અનુજની જયપુરની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

(12:44 pm IST)