મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

મોદીને 'ડીવાઈડર ઈન ચીફ' કહેનાર પત્રકારની મુશ્કેલીમાં વધારો

ભારત સરકારે લેખક અને પત્રકાર આતિશ અલી તાસીરનું ઓસીઆઈ કાર્ડ રદ્દ કર્યુઃ બ્રિટનમાં જન્મેલા લેખકે પિતા પાકિસ્તાની મૂળના હોવાની વાત છૂપાવી હોવાનો આરોપ

નવી દિલ્હી, તા. ૮ :. ભારત સરકારે લેખક અને પત્રકાર આતિશ અલી તાસીરનું ઓ.સી.આઈ. (ઓવરસીઝ સીટીઝનશીપ ઓફ ઈન્ડીયા) કાર્ડ રદ્દ કરી દીધુ છે. બ્રિટનમાં જન્મેલા લેખક તાસીર પર પિતા પાકિસ્તાન મૂળના હોવાની વાત છૂપાવવાનો આરોપ છે. લોકસભાની ચૂંટણી પહેલા તાસીરે ટાઈમ મેગેઝીનમાં પીએમ મોદી પર લેખ લખી તેમને 'ડીવાઈડર ઈન ચીફ' ગણાવ્યા હતા.

ગૃહ મંત્રાલયના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે આતિશ અલી તાસીર ઓસીઆઈ કાર્ડ માટે અયોગ્ય થઈ ગયા છે કારણ કે ઓસીઆઈ કાર્ડ કોઈ એવી વ્યકિતને જારી ન કરી શકાય જેમના માતા-પિતા કે દાદા-દાદી પાકિસ્તાની હોય અને તેમણે આ વાત છૂપાવી રાખી હતી. તાસીરે સ્પષ્ટ રીતે પ્રાથમિક જરૂરીયાતો પુરી નથી કરી અને માહિતીઓ છૂપાવી છે. તાસીર પાકિસ્તાનના દિવંગત નેતા સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવ્વલીન સિંહના પુત્ર છે.

નાગરિકતા એકટ અનુસાર કોઈ વ્યકિતને અંધારામાં રાખીને, છેતરપીંડી કરીને કે સત્ય છૂપાવી ઓસીઆઈ કાર્ડ મેળવાયુ હોય તો તેનુ રજીસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે અને તેમને બ્લેકલીસ્ટમાં મુકી દેવામાં આવે છે. સાથોસાથ ભવિષ્યમાં તેઓ ભારતમાં પણ આવી નહિ શકે.

ગૃહ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે ટાઈમ મેગેઝીનના લેખ અને ઓસીઆઈ કાર્ડ સાથે કોઈ નિસ્બત નથી. પ્રવકતાએ કહ્યુ હતુ કે તેમને જવાબ આપવા માટે ૨૧ દિવસ અપાયા હતા પરંતુ તાસીરનું કહેવુ છે કે મને માત્ર ૨૪ કલાક આપવામા આવ્યા હતા.

ટાઈમ મેગેઝીનમાં તેમણે મોદીને દેશના ભાગલા પાડવાવાળા નેતા કહી તેમની ટીકા કરી હતી.

(10:32 pm IST)