મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેકટરમાં કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ

ગત રાત્રે લગભગ ૨:૩૦ વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂના પૂંછ સ્થિર કેજી સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો

જમ્મૂ, તા.૮: પાકિસ્તાન દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ ૨:૩૦ વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂના પૂંછ સ્થિર કેજી સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત મંગળવારે પણ પાકિસ્તાને પૂંછ જિલ્લાના કિરની સેકટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય એનાએ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો, તેની થોડી મિનિટ બાદ પાકિસ્તાને ગોળીબારી બંધ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર પાકિસ્તાને કિરની સેકટરમાં સવારે ૭.૪૦ વાગે અચાનક ગોળીબારી શરૂ કરી દીધી હતી. પાકિસ્તાને કિર સેકટરમાં એલઓસીના છેડે નાના હથિયારો વડે ગોળીબારી કરી યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ યોગ્ય સમયે આકરો જવાબ આપ્યો. ત્યારબાદ પાકિસ્તાને લગભગ ૨૦ મિનિટ બાદ ફાયરિંગ બંધ કર્યું હતું.

(10:35 am IST)