મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

કાલથી સીબીઆઇના અધિકારીઓ શ્રીશ્રી રવિશંકરના સાનીધ્‍યમાં 'આર્ટ ઓફ લિવિંગ'ના પાઠ ભણશે ૧પ૦ અધિકારીઓ થશે સામેલ : પોઝીટવ અેનજીૅ સંચાર કરવાનો ધ્‍યેય

નવી દિલ્હીઃ સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે થયેલા વિવાદ બાદ સીબીઆઈની કાર્યપદ્ધતિ અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ વિવાદની અસર સીબીઆઈના અધિકારીઓ પર પણ પડી છે. આથી આ વિભાગે પોતાના 150 અધિકારીઓને 'આર્ટ ઓફ લિવિંગ'ની ટ્રેનિંગમાં મોકલવાનો નિર્ણય લીધો છે. 

સીબીઆઈના 150 અધિકારીઓ માટે શનિવારથી ત્રણ દિવસ માટે 'આર્ટ ઓફ લિવિંગ'ના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીબીઆઈના ઈન્સપેક્ટરથી માંડીને ઈન્ચાર્જ ડિરેક્ટર સુધીના અધિકારીઓ સામેલ થવાના છે. તેનો હેતુ અધિકારીઓમાં ફરીથી પોઝિટિવ એનર્જીનો સંચાર કરવાનો છે.

સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ મોટો વિવાદ થયો હતો. સમગ્ર વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે અંતિમ સુનાવણીમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના સામેની તપાસ બે સપ્તાહમાં પુરી કરીને તેનો રિપોર્ટ સુપ્રીમમાં રજૂ કરવા માટે CVCને આદેશ આપ્યો હતો.

અત્યારે તો કેન્દ્ર સરકાર દ્વારા આ બંને અધિકારીઓને રજા પર મોકલી દેવાયા છે. સુપ્રીમ કોર્ટમાં હવે 12 નવેમ્બરના રોજ બીજી સુનાવણી થવાની છે.

(11:02 pm IST)