મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

મધ્યપ્રદેશ: વિધાનસભા ચૂંટણીની ટિકિટ ન મળતા ભાજપના નેતાનો આપઘાતનો પ્રયાસ

ભોપાલ/જબલપુર: ભાજપના એક કાર્યકર્તાએ પોતાને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળતા આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. હરેન્દ્ર જીત સિંઘ નામના ઉમેદવારને ટિકિટ મળતા તેનો વિરોધ કરવા ટિકિટવાંચ્છુકે જબલપુરમાં આવેલા ભાજપના કાર્યાલય સામે પોતાની જાતને જલાવવા કોશીશ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અવતાર સિંઘ નામના ભાજપના વરિષ્ઠ નેતા પોતાની સાથે કેરોસીનનો કેરબો લઈને આવ્યા હતા, અને બપોરે સાડા બાર વાગ્યે તેમણે ભાજપની ઓફિસ સામે સૂત્રોચ્ચાર કરવાનું શરુ કર્યું હતું. તેમણે હરેન્દ્ર જીત સિંઘને ટિકિટ આપવાનો વિરોધ કરી તેમના પર જાહેરમાં આક્ષેપબાજી શરુ કરી હતી.

અવતાર સિંઘે આરોપ મૂક્યો હતો કે, થોડા વર્ષો પહેલા રિક્ષા ચલાવતો હરેન્દ્ર કઈ રીતે કરોડપતિ થઈ ગયો તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું શરુઆથી જનસંઘ સાથે હતો, અને ભાજપને પણ દરેક મોરચે ટેકો આપતો આવ્યો છું. જોકે, પક્ષે લીંબુની જેમ મને નીચોવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અવતાર સિંઘે પોતાના પર કેરોસિન પણ છાંટી લીધું હતું. જોકે, તેઓ દિવાસળી ચાંપે તે પહેલા ભાજપના કાર્યકરોએ તેમને પકડી લીધા હતા. ઝપાઝપી દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા, અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(1:36 pm IST)