મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

મધ્યપ્રદેશ ચૂંટણી: ઉમેદવારે 1 રૂપિયાના સિક્કાથી રૂ. 10,000ની ડિપોઝિટ ભરી

ઈન્દોર: મધ્યપ્રદેશમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફોર્મ ભરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જોકે, ગુરૂવારે ઈન્દોર-3 બેઠક પર ફોર્મ ભરવા આવેલા એક ઉમેદવારે રિટર્નિંગ ઓફિસરની પરેશાની વધારી દીધી હતી, કારણકે દીપક પવાર નામના આ ઉમેદવાર ડિપોઝિટ ભરવા માટે 1 રૂપિયાના 10,000 સિક્કા લાવ્યા હતા.

રિટર્નિંગ ઓફિસર શાશ્વત શર્માને આ ચિલ્લરની ગણતરી કરવા માટે પાંચ લોકોને લગાડવા પડ્યા હતા. જોકે, દીપક પવાર ગુરૂવારે પોતાનું ફોર્મ નહોતા ભરી શક્યા, અને શુક્રવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ચિલ્લર લઈને ફોર્મ ભરવા આવેલા દીપક પવાર પોતાને સ્વર્ણિમ ભારત ઈન્કલાબ પાર્ટીના નેતા ગણાવે છે. તેમનું કહેવું છે કે, તેમણે ડિપોઝિટના પૈસા લોકો પાસેથી જ ઉઘરાવ્યા હતા, અને તેને લઈને જ ફોર્મ ભરવા આવ્યા હતા.

મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે વોટિંગ છે, અને રાજ્યમાં આ વખતે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

(12:10 pm IST)