મુખ્ય સમાચાર
News of Saturday, 9th October 2021

ચીન અને જર્મની બાદ હવે લેબનોનમાં અંધારપટ : વિશ્વમાં કોલસાની અછતનાં કારણે ઘેરું વીજ સંકટ

આખો દેશ અત્યારે જનરેટરો પર આધારિત છે જે ડીઝલથી ચાલે છે

નવી દિલ્હી : હાલમાં વિશ્વમાં કોલસાનું મોટું સંકટ ઊભું થઈ ગયું છે, ચીનથી શરૂ થયેલ સંકટ જર્મની પહોંચ્યું તે બાદ લેબનોનમાં પણ ભયાનક અસર જોવા મળી રહી છે. એવામાં ભારતમા પણ ચિંતા વ્યાપી ગઈ છે કે ભારતમાં પણ કેટલાક વિસ્તારોમાં બત્તી ગુલ થઈ શકે છે અને એક મોટું વીજ સંકટ ઊભું થઈ શકે છે.

અત્યારે લેબનોન નામક દેશ આખો અંધારામાં ડૂબી ગયો છે, દેશમાં વીજકાપની જાહેરાત કરી દેવામાં આવી છે અને વીજળીનાં બે મોટા પ્લાન્ટ બંધ કરી દેવાની નોબત આવી છે. સરકારે જાહેરાત કરીને કહ્યું આજે બપોરે જ વીજ નેટવર્ક બંધ કરી દેવામાં આવ્યું છે અને હજુ આગામી સોમવાર અથવા આગામી ઘણા દિવસ બાદ જ વીજળી ફરીથી શરૂ થઈ શકશે. નોંધનીય છે કે લેબનોનમાં 60 લાખ લોકો વસવાટ કરે છે પરંતુ અત્યારે આ દેશ પાસે માત્ર પાંચ હજાર ઘરોને આપી શકાય તેટલી જ વીજળી છે.

સરકાર હવે લેબનોન સેનાનાં તેલ ભંડારની મદદથી વીજળી પેદા કરવા માટે પ્રયાસો કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આખો દેશ અત્યારે જનરેટરો પર આધારિત છે જે ડીઝલથી ચાલે છે. બીજી તરફ લેબનોનની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે એવામાં દેશમાં ઘણી જગ્યાએ હિંસા પણ જોવા મળી છે. લોકો પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા માટે લાઈનોમાં લાગી ગયા છે.

(11:44 pm IST)