મુખ્ય સમાચાર
News of Saturday, 9th October 2021

સાધુનું હૃદય કઠોર નહીં, કોમળ હોયઃ પૂ.મોરારીબાપુ

નેપાળમાં મુકિતનાથ મંદિરમાં આયોજીત ‘માનસ મુકિતનાથ' ઓનલાઇન શ્રીરામકથાનો બીજો દિવસ

રાજકોટ,તા. ૮ : ‘સાધુ હૃદય કઠોર નહીં પરંતુ કોમળ હોય છે.' તેમ પૂ.મોરારીબાપુએ નેપાળના મુકિતનાથ મંદિરમાં આયોજીત ‘માનસ મુકિતનાથ' ઓનલાઇન રામકથાનો બીજા દિવસે કહ્યુ હતું.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, પ્રસન્‍ન રહેવું હોય તો સતત પ્રભુનામ લેતા રહો.
ગઇ કાલે શ્રી રામકથાના પ્રથમ દિવસે પૂ.મોરારીબાપુએ કહ્યુ કે, માનસમાં સાત વખત મુકિત શબ્‍દ અને નાથ શબ્‍દ તો અનેક વાર, પંકિત, પ્રારંભે, વચ્‍ચે, અંતે એમ અનેકવાર. વેદાંત ગ્રંથોમાં સામિપ્‍ય, સાયુજ્‍ય, સારૂજ્‍ય, સાલુક્‍ય-ચાર પ્રકારની મુકિત ગણવાઇ છે. માનસ પોતાનું ચિંતન રજુ કરે છે. રામચરિતમાનસ મુકિત પણ આપે છે ભકિત પણ આપે છે. નક્કી કરવાનું સાધક પર છોડયુ છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, શારદીય નવરાત્રિ સુભગ યોગ. બાપુએ કહ્યુ કે, અમારી-મારી તો કુળદેવી જ રામાયણ છે. ગોત્ર, ક્ષેત્ર,ધામ બધુ રૂકિમણી આદિ પણ અંતે દાદા કહેતા કે એ તો છે જ પણ કુળદેવી માનસમૈયા આ જ ગરબો, આ જ સ્‍થાપન, આ જ અનુષ્‍ઠાન ! વિશ્વમાં અનુષ્‍ઠાનો વિશ્વશાંતિ માટે પણ ઓમ શાંતિ સાથે ‘હોમ' શાંતિ થાય તો ઘરમાં વિશ્રામ સ્‍થપાય. ચાર મુકિત છે જેમાં બંધનમુકિત, ગ્રંથિ મુકિત,જીવન મુકિત, સેવા મુકિત, વગેરે પહાડો પર ચાર નાથઃ મુકિતનાથ, અમરનાથ, બદરીનાથ, કેદારનાથ. સપાટ ભૂમિ પર સોમનાથ દ્વારિકાનાથ, વિશ્વનાથ, પશુપતિનાથ, શ્રીનાથ છે.

 

(11:55 am IST)