મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

ગગનયાન પ્રોજેક્ટ: વાયુસેનાનાં 10 પાયલટની પસંદગી: 2022માં ઇસરો અંતરિક્ષમાં ત્રણ ભારતીયોને મોકલાશે

અંતરિક્ષયાત્રીઓની પસંદગીનું પ્રથમ ચરણ પૂર્ણ : ટેસ્ટ પાયલટોએ અનેક તપાસ પરથી પસાર થવું પડ્યું

નવી દિલ્હી : ચંદ્રયાન-2 મિશન બાદ ઇસરો  અને ભારતીય વાયુસેના ગગનયાન  મિશનમાં લાગી ગયા છે. ગગનયાન ભારતનું મહત્વકાંક્ષી મિશન છે. જેમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં સાત દિવસની યાત્રા માટે મોકલવાનાં છે. ભારતીય વાયુસેનાએ આ માટે 10 ટેસ્ટ પાયલટોની પસંદગી કરી છે. ભારતીય વાયુસેનાએ ભારતીય અંતરિક્ષયાત્રીઓની પસંદગીનું પ્રથમ ચરણ પૂર્ણ કરી લીધું છે.

વાયુસેના દ્વારા પસંદ કરવામાં આવેલાં 10 ટેસ્ટ પાયલટોએ અનેક તપાસ પરથી પસાર થવું પડ્યું છે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ ભારતીય અંતરિક્ષયાત્રીનાં પસંદગીનું પ્રથમ ચરણ પૂર્ણ કરી લીધું છે

  તમામ પસંદ કરાયેલા 10 ટેસ્ટ પાયલટોનાં સ્વાસ્થ્યની ઇન્સ્ટીટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિનમાં તપાસ કરવામાં આવી છે. આ તમામ કઠણ શારીરિક ટેસ્ટ, પ્રયોગશાળા તપાસ, રેડિયોલોજિકલ ટેસ્ટ, ક્લીનિકલ ટેસ્ટ અને મનોવૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી. જેમાં આ તમામ 10 પાયલટ સફળતાપૂર્વક પાસ થઇ ચૂક્યાં છે.

  ભારતીય વાયુસેનાએ શરૂઆતમાં કુલ 25 પાયલટો ની પસંદગી કરી હતી. જેમાંથી પ્રથમ ચરણ માત્ર 10 પાયલટ જ પાર કરી શક્યાં. 2022માં ઇસરો અંતરિક્ષમાં ત્રણ ભારતીયોને મોકલાશે. ઇસરો અને ભારતીય વાયુસેના આ પ્રોજેક્ટમાં સાથે મળીને કામ કરી રહ્યાં છે. વાયુસેના પોતાનાં પાયલટોમાંથી પસંદગી કરીને ત્રણ અંતરિક્ષયાત્રી ઇસરોને આપશે. ત્યાર બાદ તેમને ઇસરો તેમણે ટ્રેનિંગ આપશે.

(11:52 am IST)