મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

સ્વિસ બેન્કના ખાતેદારોની પહેલી યાદી ભારતને મળી ખરી

નવી દિલ્હી તા ૯  : સ્વિટઝર્લેન્ડ સરકારે સ્વિસ બેન્કમાં ભારતીય ખાતેદારોની પહેલી યાદી ભારતને સોંપી દીધી છે. બેન્કર્સ અને કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે,માહિતનું વિશ્લેષણ પણ કરવામાં આવી રહયું છે. તેમા મોટાભાગના ખાતા એવા છે જે કાર્યવાહીના ડરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજકારણથી સંબંધિત ખાતાઓની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે. ભારત અને સ્વિટઝર્લેન્ડ વચ્ચે સુચનાનું સ્વતઃ આદાન પ્રદાન કરવાના કરાર હેઠળ પહેલી સપ્ટેમ્બરથી ભારતીયોના સ્વિસ ખાતાઓની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

બેન્કર્સ અને નિયામક અધિકારીઓનું કહેવું છે કે, ખાતેદારોના લિસ્ટમાં મોટાભાગના દક્ષિણ-પુર્વ એશિયાના દેશો, અમેરિકા, બ્રિટન અને આફ્રિકાના દેશોમાં રહેનારા ભારતીયો અને બિઝનેસમેન છે. બેન્કરોએ સ્વીકાર્યુ કે એક સમયે ગુપ્ત રહેતા સ્વિસ બેન્કના ખાતાઓ સામે વૈશ્વિક સ્તર પર થયેલા અભિયાન બાદ ખાતાઓમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા હતા. તેમાથી કેટલાય ખાતા બંધ થઇ ગયા હતા.

એવા ૧૦૦ ભારતીયોના ખાતા પણ સામેલ છે જે ૨૦૧૮ પહેલા બંધ કરી દેવામાં આવ્યા છે. સ્વિસ સરકાર આ ખાતાઓની જાણકારી જાહેર કરવાની પ્રક્રિયામાં લાગેલી છે. આ ખાતા ઓટો પાર્ટ્સ, કેમિકલ, ટેકસટાઇલ, રિયલ એસ્ટેટ,હીરા અને સ્ટીલ પ્રોડકટસ સાથે જોડાયેલા વેપારીઓના છે. રાજકારણથી સંકળાયેલા લોકોના ખાતાઓની જાણકારી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (૩.૧)

(11:41 am IST)