મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

ઓનલાઇન કંપનીઓ દ્વારા તહેવારો દરમ્યાન અપાતા ડીસ્કાઉન્ટને રોકોઃ વેપારીઓની કેન્દ્ર સમક્ષ માંગ

ઓછા ભાવે ચીજવસ્તુઓ વેચાતી હોવાથી અમારા ધંધાને આડી અસર પડે છે

મુંબઇ, તા.૯: ઈ-કોમર્સ ક્ષેત્રની કંપનીઓએ પોતપોતાના પોર્ટલ્સ પર તહેવારો નિમિત્તે ચીજવસ્તુઓની ખરીદી પર વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવાના લીધેલા નિર્ણયથી વેપારીઓ ભડકી ગયા છે અને એમના રાષ્ટ્રીય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ઓનલાઈન કંપનીઓને આ પ્રકારના ડિસ્કાઉન્ટ્સની ઓફર કરતા રોકવામાં આવે.

CAIT દ્વારા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વાણિજય પ્રધાન પીયૂષ ગોયલને વિનંતી કરી છે કે ઓનલાઈન કંપનીઓ ખૂબ જ ઓછા ભાવે ચીજવસ્તુઓ વેચતી હોવાથી વેપારીઓના ધંધાને માઠી અસર પડી છે તેથી તહેવારોમાં મોટી રકમનું 'સેલ'કરતા આ કંપનીઓને રોકવામાં આવે.

થોડા દિવસ પહેલા જ ગોયલે કહ્યું હતું કે સરકાર કોઈ પણ ઓનલાઈન કંપનીને વાજબી ન હોય એટલી ઓછી કિંમતે ચીજવસ્તુઓ વેચવા નહીં દે.

અનેક ઈ-કોમર્સ પોર્ટલ્સ દ્વારા સાવ ઓછી કિંમતે ચીજવસ્તુઓ વેચવાની થનાર જાહેરાતો વિશે ઘ્ખ્ત્વ્ના પ્રમુખ બી.સી. ભારતીય અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એમણે કહ્યું કે આટલી બધી ઓછી કિંમતે ચીજવસ્તુઓ એ લોકો જ વેચી શકે જેમની પાસે એવી ચીજવસ્તુઓનો સ્ટોક હોય, જયારે ઈ-કોમર્સ પોર્ટલ્સ તો માત્ર માર્કેટપ્લેસ છે અને ઓનલાઈન વેચાતી ચીજવસ્તુઓના તેઓ માલિક હોતા નથી.

ઈ-કોમર્સ પોર્ટલ્સને કારણે બજારને ગંભીર માઠી અસર પડી છે અને સ્ટોરમાલિકોને મોટા પાયે આર્થિક ખોટ જાય છે, એમ બંને હોદ્દેદારે કહ્યું છે.

એમણે એમ પણ કહ્યું કે દ્યણી ઈ-કોમર્સ પોર્ટલ કંપનીઓએ વેરહાઉસ પણ મેળવી લીધા છે, પરંતુ આ પોર્ટલ્સ તો માત્ર માર્કેટપ્લેસ છે તો પછી એમણે વેરહાઉસ રાખવાની જરૂર શું. તેઓ એમના વેરહાઉસીસમાં પ્રોડકટ્સનો સંગ્રહ કરે છે. ભારત સરકારની નીતિ અનુસાર આવી પરવાનગી આપી શકાય નહીં.

CAIT દ્વારા એવી પણ માગણી કરવામાં આવી છે કે જુદા જુદા પોર્ટલ્સ દ્વારા ઓફર કરાતી કેશબેક સ્કીમ્સને તાત્કાલિક રીતે અટકાવી દેવી જોઈએ, કારણ કે એને કારણે પણ ચીજવસ્તુઓના ભાવ પર અસર પડે છે.

(10:14 am IST)