મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

દેશમાં-૨૦ કરોડ ગાડીઓઃ ૭૨૦૦૦ પોલીસ કર્મચારી

ટ્રાફિક પોલીસની સંખ્યા નહિવતઃ ટ્રાફિકના નિયમો અને પોલીસ શહેરોમાં જ જોવા મળે છે

નવી દિલ્હી, તા.૯: વર્ષ ૨૦૧૭માં જાહેર કરાયેલા પબ્લિશ બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ ડેવલપમેન્ટ રિપોર્ટ મુજબ ભારત દેશમાં લગભગ ૨૦ કરોડ ગાડીઓની નોંધણી થયેલ છે, જેની સામે વર્તમાન સમયમાં દેશમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સંખ્યા માત્ર ૭૨ હજારની આસપાસ છે. જાણકારી મુજબ દોઢ વર્ષથી ટ્રાફિક પોલીસની સંખ્યામાં કોઇ વધારો થયો નથી.

પશ્યિમ બંગાળમાં સૌથી વધારે ૮,૫૦૦ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ કાર્યરત છે, જયારે કર્ણાટકમાં ૬૦૦૦ અને રાજધાની દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યાને રોકવા માટે ૬,૬૦૦ ટ્રાફિક કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અધિકારીઓએ એમ પણ માન્યું છે કે, ટ્રાફિક પોલીસની હાજરી મુખ્ય રુપે મોટા શહેરોમાં અને રાજયોની રાજધાનીઓમાં જોવા મળે છે જયારે અન્ય નાના શહેરોમાં તેઓ શોધતા પણ નથી મળતા.

અન્ય એક અધિકારી મુજબ ટ્રાફિક નિયમોને લાગુ કરવાનો મુદ્દો માત્ર શહેરી વિસ્તારો અને મોટા શહેરો પૂરતો જ છે જયારે ૫૫ ટકાથી વધારે અકસ્માતો અને મોત ગામોમાંથી પસાર થતા રોડ પર થાય છે અને તેમાં રાજય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ સામેલ છે.

બીપીઆરડીએ વર્ષ ૨૦૧૫૨માં રાજયો અને શહેરોમાં વાહનોની સંખ્યાને આધારે ટ્રાફિક પોલીસ તેમજ ઉપકરણો પૂરતા પ્રમાણમાં ઉભા કરવાની ભલામણ કરી હતી, તેમ છતા પણ ટ્રાફિક પોલીસની સંખ્યામાં કોઇ વધારો નોંધાયો નથી.

(10:13 am IST)