મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

યુપી કોંગ્રેસના નેતાએ અખિલેશ યાદવ પર કોમી રમખાણોનું કાવતરું રચવાનો લગાવ્યો આરોપ : રાજ્યપાલને લખ્યો પત્ર

આઝમ ખાનના સમર્થનમાં રામપુરમાં રમખાણોકરવાનું કાવતરું ઘડયાનો આરોપ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા ફૈઝલખાન લાલાએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર રમખાણોનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલને પત્ર પણ લખ્યો છે.

તેમાં તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ભૂમિ માફિયા આઝમ ખાનના સમર્થનમાં 9 સપ્ટેમ્બર 2019 ના રોજ રામપુરમાં રમખાણો કરવા માગે છે. અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવે આઝમ ખાન વિરુદ્ધ કરવાના અભિયાનની જાહેરાત કરી છે.

રાજ્યપાલને લખેલ પત્રમાં ફૈઝલ ખાન લાલાએ કહ્યું કે, રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ સંગીન ધારાઓ હેઠળ લગભગ 80 કેસ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. જેમાં લૂંટ, ચોરી, લૂંટ, ભડકાઉ ભાષણ, ઉન્માદ ફેલાવવો, ખેડૂતોની જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે કબજો મેળવવો જેવા આરોપ છે. કોંગ્રેસ નેતા લાલાએ કહ્યું કે, આઝમ ખાનની યુનિવર્સિટીથી પોલીસે ચોરીનો માલ ઝડપી લીધી હતો અને તેમને ભૂ-માફિયા તરીકે જાહેર કર્યો હતો.

કોંગ્રેસ નેતા ફૈઝલ ખાન લાલાએ રાજ્યપાલ આનંદીબેન પટેલને લખેલ પત્રમાં કહ્યું કે, આઝમ ખાન વિરૂદ્ધ કેસ દાખલ છે, જે ખુબ જ ગરીબ અને નબળા લોકોએ દાખલ કર્યા છે. આ પીડિતો મુસ્લિમ સમાજના છે. આઝમ ખાન સામે માત્ર પીડિત પરિવારમાં જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ ભારે રોષ છે. આને કારણે આઝમ ખાન લગભગ બે મહિનાથી રામપુરથી ફરાર છે. અદાલતોએ ઘણા કેસોમાં આઝમ ખાન વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જારી કર્યું છે.

(12:00 am IST)