મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

યુક્રેનના ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટમાં ગોળીબારથી સમગ્ર વિશ્વની ચિંતા વધી : યુક્રેને કહ્યું - રશિયાએ પરમાણુ પ્લાન્ટથી પીછેહઠ કરવી જોઈએ

રશિયાની કાર્યવાહીથી ચેર્નોબિલ જેવી દુર્ઘટના સર્જાઈ શકે, હુમલાઓમાં પ્લાન્ટમાં આગ લાગી હતી પરતું કાબુમાં લેવાઈ : યુક્રેન

નવી દિલ્લી તા.08 : યુક્રેનના ઝાપોરિઝિયામાં યુરોપનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે. જેને રશિયન સેનાએ માર્ચમાં કબજે કરી લીધો હતો. પરંતુ યુક્રેનના ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટમાં ગત સપ્તાહ દરમિયાન બે-વાર થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. યુક્રેને કહ્યું કે રશિયાની કાર્યવાહીના કારણે કોઈપણ સમયે ચેર્નોબિલ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેથી રશિયાએ પરમાણુ પ્લાન્ટથી પીછેહઠ કરવી જોઈએ.

ઝાપોરિઝિયામાં યુરોપનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે, જેને રશિયન સેનાએ માર્ચમાં કબજે કરી લીધો હતો પરંતુ તેમાં યુક્રેનના કર્મચારીઓ જ કામ કરે છે. યુક્રેનના આ પરમાણુ પ્લાન્ટ પર શુક્રવાર અને શનિવારે રોકેટ હુમલા થયા હતા. આ હુમલાઓમાં પ્લાન્ટમાં આગ લાગી હતી પરંતુ તેને જલ્દી કાબુ હેઠળ લાવવામાં આવી હતી. રશિયાએ કહ્યું છે કે યુક્રેનની સેના તેના નિયંત્રણ હેઠળના પરમાણુ પ્લાન્ટ અને અન્ય વિસ્તારો પર ગોળીબાર કરી રહી છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનના સૈન્ય હુમલામાં સોવિયત યુગના પ્લાન્ટની હાઇ વોલ્ટેજ પાવર લાઇનને નુકસાન થયું છે. ક્રેમલિને પ્લાન્ટ પરના હુમલાને અત્યંત ખતરનાક ગણાવ્યો છે. જ્યારે યુક્રેને કહ્યું છે કે રશિયન સેનાના હુમલામાં ત્રણ રેડિયેશન સેન્સર નાશ પામ્યા હતા અને બે કર્મચારીઓ ઘાયલ થયા હતા.

(12:25 am IST)