મુખ્ય સમાચાર
News of Sunday, 9th August 2020

આંધ્રપ્રદેશમાં કોવિડ સેન્ટરમાં આગ લાગતા ૧૧ લોકોનાં મૃત્યુ

વિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ આગ લાગી : ઘટનાને પગલે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો, આંધ્રના મુખ્યમંત્રીએ પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા ખાતરી આપી : ઘટનાની તપાસના આદેશો

વિજયવાડા, તા. ૮ : રવિવારે સવારે પાંચ વાગ્યે વિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ -૧૯ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતાં ૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે હવે મૃત્યુઆંક વધીને ૧૧ પર પહોંચી ગયો છે. જોકે મૃત્યુઆંક વધે તેની પણ શક્યતા છે. ઘટના બની ત્યારે ૩૦ જેટલા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાને પગલે પીએમ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. ઇલુરુ રોડ પર આવેલી સ્વર્ણા પેલેસ હોટલને કોવિડ-૧૯ દર્દીઓની સારવાર માટે રમેશ હોસ્પિટલ દ્વારા લીઝ પર લેવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા છેલ્લા બે અઠવાડિયામાં લગભગ ૩૦ દર્દીઓ સ્વર્ણા પેલેસમાં દાખલ થયા હતા. ઘટના સમયે ૧૦ જેટલા પેરા મેડિકલ સ્ટાફ તેમની મદદ કરી રહ્યા હતા. અધિકારીઓના મતે મોટાભાગના મોત ગૂંગળામણને લીધે થયા છે.

            કોવિડ -૧૯ દર્દીઓ પહેલેથી જ શ્વસન સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા, તેવામાં ગૂંગળામણને કારણે તેમની સ્થિતિ વધુ વકરી છે. ઘણા દર્દીઓ હોટલના રૂમની બારીમાંથી મદદ માટે ચીસો પાડતા સાંભળવામાં આવ્યાં હતાં. ૯ વિજયવાડા શહેર પોલીસ કમિશનર બી શ્રીનિવાસુલુના જણાવ્યા મુજબ, આગ પહેલી વાર રિસેપ્શન એરિયા નજીક ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને ઝડપથી પહેલા માળે ફેલાઈ હતી. સામે આવેલી તસવીરોમાં પણ રિસેપ્શન વિસ્તારમાં સૌથી વધુ આગ જોવા મળી રહી છે. કૃષ્ણા જિલ્લા કલેક્ટર એએમડી ઇમ્તિયાઝ અને સંપત્તિ પ્રધાન વેલ્લમપલ્લી શ્રીનિવાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. શ્રીનિવાસુલુએ કહ્યું કે તેઓએ આશરે ૩૦ લોકોને બચાવી લીધા છે.

              ૨૫ મિનિટની અંદર આગ પર કાબૂ મેળવાઈ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમને સવારે ૫: ૧૫ વાગ્યે એસઓએસ મળ્યો હતો. ત્યારબાદ ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ સીડીનો ઉપયોગ કરીને દર્દીઓને બહાર લાવવામાં આવ્યા હતા. ૫ ફાયર કર્મચારીઓએ પીડિતોને બચાવવા માટે બારી તોડી નાંખી હતી. કોવિડ -૧૯ દર્દીઓને ખાસ એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોને તમામ શક્ય સહાય આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે તેમજ અધિકારીઓને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

(7:38 pm IST)