મુખ્ય સમાચાર
News of Friday, 9th August 2019

ઓહોહોહો... ૪૮ કલાકમાં ૯૦ ઈંચઃ ૨૪ કલાકમાં ૩૭ ઈંચ વરસાદ

તામિલનાડુના નીલગીરી વિસ્તારમાં મેઘરાજા સાંબેલાધાર જ નહિ પરંતુ સુપડાધારે વરસ્યાઃ ચોતરફ પાણી-પાણીઃ રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયોઃ અવાલાંચીમાં ૨૪ કલાકમાં ૩૭ ઈંચ વરસાદ નોંધાયોઃ એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્યમાં લાગીઃ શાળા-કોલેજોમાં રજા જાહેર

નવી દિલ્હી, તા. ૯ :. ૪૮ કલાકમાં ૯૦ ઈંચ વરસાદ અને ૨૪ કલાકમાં અધધ ૩૭ ઈંચ વરસાદ. આપણે ચેરાપુંજીની વાત નથી કરતા પરંતુ તામિલનાડુના નીલગીરી વિસ્તારમાં આવેલા અવાલાંચી વિસ્તારની વાત કરીએ છીએ. અહીં મેઘરાજા સાંબેલાધાર જ નહિ પરંતુ સુપડાધારે વરસ્યા છે. તામિલનાડુ હવામાન ખાતાના જણાવ્યા મુજબ અવાલાંચીમાં ૨૪ કલાકમાં ૯૧૧ મી.મી.થી વધુ એટલે કે ૩૭ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં વરસાદે ૭૬ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મળતા અહેવાલો મુજબ આ વિસ્તારમાં તા. ૭ની સવાર સુધીમાં ૧૬ ઈંચ, તા. ૮ની સવાર સુધીમાં ૩૩ ઈંચ અને ૯ની સવાર સુધીમાં ૩૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભારતમાં એક જ દિવસમાં આટલો વરસાદ પડવાનો વિક્રમ નોંધાયો છે. નીલગીરી અને તેની આસપાસના વિસ્તારોમાં ૨૪ કલાકના વિન્ડો દરમિયાન ૨૩૦૪ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે.

ભયાનક વરસાદ વરસવાને કારણે તામિલનાડુ સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ એલર્ટ જાહેર કરેલ છે. નીલગીરી જિલ્લામાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં આવેલા ડેમ પણ ભરાઈ ગયા છે. કુલ ૧૬ જેટલા ડેમો છલકાઈ ગયા છે.

કોવાઈ પોસ્ટના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વહીવટી તંત્રએ નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડયા છે એટલુ જ નહિ જિલ્લા વહીવટી તંત્રએ ૪૮૪ લોકોને ૧૬ રાહત કેમ્પોમાં આશ્રય આપ્યો છે. ગુડાલુર અને પાંડાલુરમાં ૬૦૦ જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

જિલ્લા કલેકટર કોઈન્બતુર અને નીલગીરીએ આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. કોઈમ્બતુર જિલ્લાના વાલપરાઈમાં પણ ૪૮ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે.

અત્રે એ નોંધનીય છે કે, તામિલનાડુના કોપીયસમાં ૧૯૪૩માં એક જ દિવસમાં કુડાલોર ખાતે ૫૨૦ મી.મી. વરસાદ એક જ દિવસમાં નોંધાયો હતો. અવલાંચેમાં જ ૫ દિવસમાં ૧૭૧૭ મી.મી. વરસાદ ૫ દિવસમાં નોંધાયો છે. નીલગીરી વિસ્તારમાં ૨૩૦૪ મી.મી. વરસાદ ગુરૂવાર સવાર સુધીમાં નોંધાયો હતો.

ભારે વરસાદને કારણે હજુ સુધી કોઈ મોટી તારાજી કે નુકશાન થયુ નથી એક વ્યકિતનું મોત થયુ છે. અત્રે એ નોંધનીય છે કે, નીલગીરી તામિલનાડુમાં આવેલ પર્વતીય રેન્જનો જિલ્લો છે. જે તામિલનાડુ, કેરળ અને કર્ણાટકની સરહદે આવેલ છે.

(10:24 am IST)