મુખ્ય સમાચાર
News of Friday, 9th July 2021

આ મહિને આવી શકે છે ૩ ડોઝવાળી નિડલ ફ્રી દેશી વેકિસન

વેકિસનના ઇમર્જન્સી ઉપયોગ માટે ડીજીસીઆઇ પાસેથી મંજૂરી માગવામાં આવી છે : ડીએનએ ટેકનોલોજી પર બનેલી સૌથી પહેલી વેકિસન, ડોઝમાં ફેરફાર થઇ શકે છે : આ વેકિસનની કિલનિકલ ટ્રાયલ ૧૨ થી ૧૮ વર્ષના બાળકો પર પણ કરવામાં આવી છે

નવી દિલ્હી,તા.૯: ભારતમાં વધુ એક વેકિસનનો વિકલ્પ મળી શકે છે. આ મહિના અંત સુધીમાં કે આગામી મહિનાની શરુઆતમાં ડીએનએ ટેકનોલોજી પર બનેલી આ વેકિસન લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં દેશમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણે વેકિસન કરતા આ એકદમ અલગ છે. સૌથી પહેલા આ ડીએનએ ટેકનોલોજી પર બની છે, પણ ૩ ડોઝની છે, તેને રૂમ ટેમ્પ્રેચર પર રાખી શકાય છે અને તે નિડલ ફ્રી છે. તેમાં ઈન્જેકશનની જગ્યાએ જેટ ઈજેકટનો ઉપયોગ થાય છે. તેને દવા કંપની ઝાયડસ કેડિલાએ બનાવી છે અને તે દુનિયાની પહેલી ડીએનએ પ્લાઝિમડ વેકિસન છે. ભારતમાં તેના ઈમર્જન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની મંજૂરી માગવામાં આવી છે.નેશનલ ટેકિનકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના ચેરપર્સન ડોકટર એન કે અરોરાએ જણાવ્યું કે આ પહેલી ડીએનએ વેકિસન છે. જે આ મહિનાના અંતિમ સપ્તાહ કે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીમાં લોન્ચ થઈ શકે છે. ડોકટર અરોરાએ કહ્યું કે ડીએનએ ટેકનોલોજી પર પહેલી વખત વેકિસન બનાવવામાં આવી રહી છે. જેમાં વાયરસની જીનેટિક કોડના નાના ભાગને લઈને શરીરને કોરોનાની સામે લડતા શીખવે છે. ડોકટર અરોરાએ કહ્યું કે આપણા શરીરમાં કોડ આએનએ અને ડીએનએ હોય છે અને તેમાં વેકિસન અપાય છે અને તે શરીરની અંદર જઈને વાયરસની સામે એન્ટીબોડી બને છે.

ભારતમાં હાલમાં લગાવવામાં આવી રહેલી ત્રણ વેકિસન ડબલ ડોઝવાળી છે. પરંતુ ઝાયકોવ-ડી વેકિસન આ બધા કરતા અલગ છે. આ ત્રણ ડોઝની છે. પહેલો ઝીરો દિવસે, બીજો ૨૮ દિવસે અને ત્રીજો ૫૬મા દિવસે આપવામાં આવશે. આ એક નિડલ ફ્રી વેકિસન છે. આ વેકિસન જેટ ઈન્જેકશનથી આપવામાં આવશે. જેટ ઈન્જેકશનનો ઉપયોગ યુએસમાં સૌથી વધારે થાય છે. જેમાં વેકિસનને હાઈ પ્રેશન સાથે સ્કિનમાં ઈન્જેકટ કરાય છે. સામાન્ય રીતે જે નિડલ ઈન્જેકશન યુઝમાં લેવાય છે, તેનાથી ફ્લુઈડ કે દવા મસલ્સમાં જાય છે. જેટ ઈન્જેકશનમાં પ્રેશર માટે કોમ્પ્રેસ્ડ ગેસ કે સ્પ્રિંગનો ઉપયોગ કરાયા છે. તેનાથી ફાયદો થાય છે, કે વેકિસન લેનારાઓની પીડા ઓછી થાય છે. કારણ કે આ સામાન્ય ઈન્જેકશનની જેમ મસલ્સની અંદર નથી જતું. આ વેકિસનની ટ્રાયલ ૧૨થી ૧૮ વર્ષના બાળકો પર થઈ છે.

આ વેકિસન વાયરસ સામે શરીરમાં ઈમ્યુનિટી વધારે છે, જેમાં જિનેટિક મટિરિયલનો ઉપયોગ થાય છે. જેમ અમેરિકામાં ફાઈઝર અને મોર્ડના વેકિસન ઈમ્યુનિટી વધારવા માટે mRNA ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે જ રીતે ભારતમાં આ વેકસીન જિનેટિક મટિરિયલમાં પ્લાઝિમડ-ડીએનએનો ઉપયોગ કરે છે. mRNA ટેકનોલોજીને મેસેન્જર RNA પણ કહેવામાં આવે છે, જે શરીરમાં જઈને કોરોના વાયરસની સામે એન્ટીબોડી બનાવવાનો મેસેજ આપે છે, પ્લાઝિમડ વ્યકિતની કોશિકાઓમાં રહેલા રહેલા નાના ડીએનએ મોલિકયુલ હોય છે.

(12:01 pm IST)