મુખ્ય સમાચાર
News of Monday, 9th July 2018

સુપ્રિમ કોર્ટમાં કેસોની જે કાર્યવાહી અને સુનાવણી થાય છે તે લોકો પણ જોઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઇએ: પ્રાયોગિક ધોરણે મુખ્‍ય ન્યાયમૂર્તિની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કર્યા બાદ અન્ય કોર્ટોને પણ તેમાં આવરી લઇ શકાયઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટમાં થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટ દ્વારા જણાવાયું છે કે, કોર્ટમાં થતી કાર્યવાહી અને સુનાવણીનું જીવંત પ્રસારણ થાય તે ન્‍યાયના હિતમાં છે.

કોર્ટરૂમાં ચાલતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની દાદ માંગતી એક પિટિશનની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, કોર્ટમાં ચાલતી સુનાવણી અને કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તેના વિરોધમાં સુપ્રિમ કોર્ટ નથી. સિનિયર એડવોકેટ ઇંદિરા જયસિંઘ દ્વારા આ પિટિશન કરવામાં આવી છે. આ પિટિશનમાં એવી દાદ માંગવામાં આવી છે કે, સુપ્રિમ કોર્ટમાં કેસોની જે કાર્યવાહી અને સુનાવણી થાય છે તે લોકો પણ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

કેન્દ્ર સરકારે તેના જવાબમાં કહ્યું કે, જો સુપ્રિમ કોર્ટ આ બાબતે નીતિ વિષયક નિર્ણય લે તો સરકાર આ મામલે જરૂરી વ્યવસ્થા કરવા તૈયાર છે. જેવી રીતે રાજ્યસભા અને લોકસભામાં ચાલતી પ્રક્રિયા, ચર્ચાનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થાય છે તેવી જ રીતે કોર્ટની કાર્યવાહીની જીવંત પ્રસારણ માટે એક અલગ ચેનલની વ્યવસ્થા ગોઠવી શકાય.

સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ કહ્યુ કે, કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણ ન્યાયના હિતમાં છે. પિટિશન કરનારને તેમના કેસમાં શું કાર્યવાહી થઇ તે જાણવાનો હકે છે અને આ બાબત કાનુની કાર્યવાહીમાં પારદર્શક્તા લાવશે. પિટિશનર એ પણ જાણી શકશે કે તેમના વકીલ તેમનો કેસ કેવી રીત રજુ કરે છે”.જો કે, મુખ્ય ન્યાયમૂર્તિએ દુષ્કર્મ જેવા કેશો અને લગ્નસંબધી કેસો મામલે ચિંતા વ્યક્ત કરી હતી. બીજુ કે, કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણથી વિદ્યાર્થીઓ ઘણુ શીખી શકશે.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ કે, પ્રાયોગિક ધોરણે મુખ્ય ન્યાયમૂર્તિની કોર્ટની કાર્ટવાહીથી જીવંત પ્રસારણની શરૂઆત કરી શકાય અને પછીથી અન્ય કોર્ટોને પણ તેમાં આવરી શકાય.

(5:38 pm IST)