મુખ્ય સમાચાર
News of Monday, 9th July 2018

'તારક મહેતા કા...' ફેઈમ ડો. હાથીનું નિધન

કવિ કુમાર આઝાદ ઉર્ફે ડો. હંસરાજ હાથીને હૃદયરોગનો હુમલોઃ આજે અંતિમશ્વાસ લીધાઃ ટીવી ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડીઃ ડો. હાથીએ ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતાઃ 'સહી બાત હૈ'નો ડાયલોગ હંમેશા દર્શકોના દિમાગમાં અંકિત થયેલો રહેશે

મુંબઈ, તા. ૯ :. ટીવીની સૌથી લોકપ્રિય કોમેડી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકોને પોતાના શાનદાર અભિનયથી સૌ કોઈને હસાવનાર કવિ કુમાર આઝાદ ઉર્ફે ડો. હંસરાજ હાથી આપણી વચ્ચે નથી રહ્યાં. મળતા અહેવાલો મુજબ તેમનુ આજે હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યુ છે. ગઈકાલે રાત્રે તેઓ કોમામા સરી પડયા હતા. તે પછી તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.

 

મળતા અહેવાલો મુજબ કવિ કુમાર આઝાદ થોડા સમયથી અસ્વસ્થ હતા અને તેમને મીરા રોડ ખાતેની વોકહાર્ટ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને હાર્ટએટકે આવ્યો હતો. ટીવી સિવાય તેમણે આમીરખાનની મેલા અને પરેશ રાવલની ફન્ટુસ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓ ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવતા હતા અને તેમણે પોતાના અભિનય વડે દર્શકોના દિલમાં સ્થાન જમાવ્યુ હતું. થોડા દિવસ પહેલા આ અભિનેતાએ ટ્વીટર એકાઉન્ટમાં એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે, કીસીને કહા હૈ કલ હોના હો, મેં કહેતા હું પલ હોના હો, હર લમ્હા જીઓ.

ડો. હંસરાજ હાથી એટલે કે કવિ કુમાર આઝાદના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીઝને મોટો આંચકો લાગ્યો છે. તેમણે ૨૦૧૦માં પોતાનું ૮૦ કિલો વજન સર્જરીથી ઘટાડયુ હતુ તે પછી તેમની રોજીંદી જીંદગી સરળ બની ગઈ હતી.  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર ટીમે ડો. હાથીના નિધન અંગે શોક વ્યકત કર્યો છે.

(3:58 pm IST)