મુખ્ય સમાચાર
News of Monday, 9th July 2018

મેકિસકોની નાઇટ કલબોમાં શ્રેણીબધ્ધ હુમલા : ૧૫ના મોત

કુલ ૬ નાઇટ કલબમાં હુમલા થયા

મોન્ટેર તા. ૯ : ઉત્તર મેકિસકો સિટીના મોન્ટેરેમાં આવેલી નાઇટ કલબોમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧પનાં મોત થયાં છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મોટા ભાગના લોકોના ફાયરિંગમાં મોત થયાં છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોન્ટેરે શહેર સ્થિત એક કલબમાં હુમલો કરવામાં આવ્યો હતો. ન્યુઓલિયન સરકારી કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ હુમલાઓ મોન્ટેરે, ગ્વાડેલુપે અને ઝુુઆરેજ વિસ્તારમાં થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે કુલ છ નાઇટ કલબમાં હુમલા થયા હતા. આ હુમલામાં ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાથી પોલીસે મૃત્યુઆંક વધવાની દહેશત વ્યકત કરી છે.

જોકે આ હુમલા એકબીજા સાથે કોઇ કનેકશન કે લિંક ધરાવે છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. એક પોલીસ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે છ વખત થયેલા ફાયરિંગમાં કુલ ૧પનાં મોત થયાં છે, પરંતુ એક સાથે અને એક જ રાતમાં થયેલા ઉપરા છાપરી છ હુમલાનાં કનેકશન અંગે કંઇ કહેવા ઇનકાર કર્યો હતો.

એક વ્યકિત અને તેના ૧૪ વર્ષના છોકરાને હાઇવે પર તેમની કારમાં જ ઠાર મારવામાં આવ્યા હતા. જયારે એક અન્ય શખ્સનું લીનારેસ શહેરમાં વિરોધી ગેંગો વચ્ચે થયેલી અથડામણમાં મોત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના હુુમલાઓ થઇ રહ્યા છે જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કીની એક નાઇટ કલબમાં ગઇ સાલ થયેલા ફાયરિંગમાં ૩૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ડઝનથી વધુુ લોકો ઘાયલ થયા હતા.

અત્રે નોંધનીય છે કે તુર્કીની નાઇટ કલબમાં નવા વર્ષનો જશ્ન મનાવી રહેલા લોકો પર એક વ્યકિતએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૩૯ લોકોને ઢાળી દીધા હતા અને ૬પથી વધુ લોકોને ઘાયલ કર્યા હતા.

(4:05 pm IST)