મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

કર્ણાટક : હજુ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બળવાના મૂડમાં છે

કેબિનેટ ખાતાને લઈને અસંતુષ્ટ સભ્યો જોરદાર દેખાવ કરી રહ્યા છેઃ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી પરમેશ્વર વચ્ચે ખેંચતાણના પરિણામે કોંગી માટે જટીલ સ્થિતિ : અસંતુષ્ટોને સિદ્ધારમૈયા ઉશ્કેરી રહ્યા છે

બેંગલોર, તા. ૯: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારના મંત્રાલયોની વહેંચણીને લઈને સ્થિતિ હજુ હળવી બની નથી. કોંગ્રેસના અનેક ધારાસભ્યો બળવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. મળેલી માહિતી મુજબ પૂર્વ મુખ્યંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી પરમેશ્વર વચ્ચે ખેંચતાણના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કબુલાત કરી છે કે પાર્ટીની અંદર ખાતાઓની ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. કેબિનેટ પદ માટે કોંગ્રેસ ધારાસભ્યોની એક ટીમમાં અસંતોષ જોવા મળેલ છે. અસંતુષ્ટ સભ્યો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે આની પાછળ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો હાથ છે. જેથી દુરથી કોંગ્રેસના આ જુથને હવા આપી રહ્યા છે. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે સિદ્ધારમૈયાની અસલી લડાઈ નાયબ મુખ્યમંત્રી પરમેશ્વર સાથે છે અને આ જુથબંધી મારફતે તેઓ તેમને પડકાર ફેંકી રહ્યા છે. કર્ણાટક કોંગ્રેસ સમિતિના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે કેબિનેટ પદ ન મળવાના કારણે કોંગ્રેસના અનેક ધારાસભ્યો નાખુશ દેખાઈ રહ્યા છે પરંતુ જે રીતે ચીજો સપાટી પર આવી રહી છે તે જોતા અસંતુષ્ટ ધારાસભ્યોને જે સમર્થન મળી રહ્યું છે તેમાંથી જાણવા મળે છે કે આનાથી જી પરમેશ્વરને રોકવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ગઠબંધનવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નિમાયા બાદ કોંગ્રેસમાં બળવાની શરૂઆત થઈ હતી. સિદ્ધારમૈયા અને પરમેશ્વર વચ્ચે ૨૦૧૩ની ચુંટણી બાદથી ખેંચતાણની સ્થિતિ રહેલી છે. તે વખતે પરમેશ્વરે પોતાની હારની પાછળ પાર્ટીના કોઈ આંતરિક વ્યક્તિને જવાબદાર ઠેરવ્યા હતા. પરમેશ્વર પહેલાથી જ આ બળવાખોરોના નિશાના ઉપર રહ્યા છે. જે માને છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને સિદ્ધારમૈયાના સમર્થક એમબી પાટીલ, એસઆર પાટીલને કેબિનેટ પદ આપવાથી પરમેશ્વરે ઈનકાર કરી દીધો હતો. સાથે સાથે તેમના ઉપર નાયબ મુખ્યમંત્રી પદ મળ્યા બાદ વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નામ જાહેર નહીં કરવાની શરતે કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓ કોઈપણ વરિષ્ઠ નેતાને કોઈ મુદ્દામાં સામેલ કરી રહ્યા નથી. જેનાથી આ સંદેશ પહોંચે છે કે તેઓ એવા નેતાઓ સાથે બદલો લેવા ઈચ્છુક છે જેમની સાથે છેલ્લા પાંચ વર્ષથી તેમના સંબંધ સારા ન હતા. પરમેશ્વર આ પ્રકારના આક્ષેપોને રદિયો આપી ચુક્યા છે. તેમણે કહ્યું છે કે તેમને નાયબ મુખ્યમંત્રી પદ આપવા પાછળનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા રાજ્યના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવ્યો છે. પરમેશ્વર કેમ્પના નેતાઓએ આવા સમયમાં સિદ્ધારમૈયાના પાંચ દિવસ માટે બાદામી પ્રવાસ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસી નેતાઓએ કહ્યું છે કે અમને શંકા છે કે આ તેમની યોજના છે. પરમેશ્વર એકલા જ અસંતુષ્ટ ધારાસભ્યોને સામનો કરે તેવી સ્થિતિ સિદ્ધારમૈયા દ્વારા સર્જવામાં આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે કેટલાક ધારાસભ્યો નાખુશ છે પરંતુ તમામ સભ્યો સંગઠિત છે. ભાજપ સાથે કોઈ સંપર્કમાં નથી. બીજી બાજુ કર્ણાટકમાં હજુ પણ ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે. ખાતાઓની ફાળવણીને લઈને વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. હાલમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું હતું. ભાજપને ૧૦૪ સીટો મળી હતી પરંતુ તે સહેજમાં બહુમતીના આંકડા સુધી પહોંચી શક્યું ન હતું. જેના લીધે રાજકીય નાટકોના દોર બાદ અંતે જેડીએસ અને કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી. જેડીએસને ૩૭ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી.

(6:53 pm IST)