મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

બુખારી અને અન્ય મુસ્લિમ આગેવાનો સાથે બેઠકો થઈ

સંપર્ક ફોર સમર્થન અભિયાન યથાવત રીતે જારીઃ મુખ્તાર અબ્બાસ નકવી મુસ્લિમ સમાજના અનેક સંસ્થાના પ્રમુખોને મળ્યા : ૪ વર્ષની કેન્દ્રની સિદ્ધિઓની વાત કરી

નવી દિલ્હી, તા.૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દ્વારા સંપર્ક ફોર સમર્થન અભિયાનનો દોર ચાલી રહ્યો છે. આ અભિયાન હેઠળ કેન્દ્રિય મંત્રી વિજય ગોયલ આજે જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના સૈયદ અહેમદ બુખારીને મળ્યા હતા. આ મુલાકાત ખૂબ જ સાનુકુળ વાતાવરણમાં થઈ હતી પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં ઈમામે મુસ્લિમ સમુદાય પર હુમલાને લઈને ભાજપની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતા અમને મળવા માટે આવે છે પરંતુ મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ઈમામે કહ્યું હતું કે તેઓ અમારી પાસે આવે છે પરંતુ મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમની સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે. ચૂંટણી આડે એક વર્ષનો સમયગાળો રહ્યો છે. જો ભાજપના લોકો કઈ કરે છે તો તેમનું સ્વાગત છે પરંતુ અમારી કેટલીક ફરિયાદો રહેલી છે. આ પહેલા કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ખ્રિસ્તી ધર્મગુરુ બિશપ વારીસને મળ્યા હતા. નકવી આજે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રમાં કામ કરનાર મુસ્લિમ સમાજના કેટલાક વરિષ્ઠ લોકોને મળ્યા હતા અને કહ્યું હતું કે સામાજિક એકતા અને અખંડતા ભારતના ડીએનએમાં રહેલી છે.  ઈન્ડિયા ઈસ્લામિક કલચર સેન્ટરના વડા સિરાજુદ્દીન કુરેશી અને મુસ્લિમ સમાજના અન્ય કેટલાક પ્રમુખોને મળ્યા બાદ નકવીએ કહ્યું હતું કે તેઓએ મોદી સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કરવામાં આવેલા કામના સંદર્ભમાં તેમને માહિતી આપી છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા ભાજપે સંપર્ક ફોર સમર્થન અભિયાનની શરૂઆત ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા મુંબઈથી કરવામાં આવી હતી. અમિત શાહે આ અભિયાન હેઠળ રતન તાતા, યોગગુરુ રામદેવ, પૂર્વ ક્રિકેટ કપિલ દેવ, બોલિવુડ અભિનેત્રી માધુરી દિક્ષિતને મળીને સરકારની સિદ્ધિઓની વાત કરી હતી.

(6:52 pm IST)