મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

સુનંદા પુષ્કર પ્રકરણમાં શશી થરૂર લીગલ ટીમના સંપર્કમાં

સાતમી જુલાઈએ હાજર થવા માટે કહેવાયું છેઃ શશી થરૂરને પટિયાલા હાઉસ કોર્ટ આરોપી તરીકે ગણીને સમન્સ જારી કરી ચુકી છે : કોંગ્રેસના સાંસદ હવે મુશ્કેલીમાં

નવી દિલ્હી, તા.૯: સુનંદા પુષ્કરના મોતના મામલામાં શશી થરૂરનને આરોપી બનાવી દેવામાં આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ પોતાની લીગલ ટીમની સાથે સક્રિય છે. થરૂરે કહ્યું છે કે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને લઈને વિગતો ઉપર તેમના કાયદાકીય સલાહકાર કામ કરી રહ્યા છે. સુનંદાના મોતના મામલામાં દિલ્હીની કોર્ટે થરૂરને આરોપી બનાવવાનો નિર્ણય પહેલાથી જ કર્યો છે. શશી થરૂરની લીગલ ટીમના અધિકારીઓ વિકાસ પાહવા અને તેમની ટીમે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ સાથે સંબંધિત વિગતોમાં તપાસ હાથ ધરી હતી. કોંગ્રેસના સાંસદે કહ્યું છે કે તેઓએ કેસ સાથે સંબંધિત જરૂરી નોંધ લઈ લીધી છે. આની સાથે જોડાયેલી દરેક બાબતો પર નજર રાખી રહ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી શરૂરની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. કારણ કે તેમના પત્નિ સુનંદા પુષ્કરના મોતના મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટ દ્વારા પાંચમી જૂનના દિવસે શશી થરૂરને આરોપી તરીકે ગણ્યા હતા. જેથી શશી થરૂર સુનંદાના કેસમાં હવે ટ્રાયલનો સામનો કરવો પડશે. ગયા મંગળવારના દિવસે દિલ્હી કોર્ટે કોંગ્રેસના સાંસદ સામે સમન્સ જારી કરી દીધું હતું. જેના ભાગરુપે એક આરોપી તરીકે સાતમી જુલાઈના દિવસે દિલ્હી કોર્ટમાં તેમને હાજર થવું પડશે. કોર્ટે ચાર્જશીટના આધાર પર શશી થરુરને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આરોપી તરીકે ગણાવીને શશી થરુર સામે સમન્સ જારી કર્યું હતું.મંગળવારના દિવસે દિલ્હી પોલીસે ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી જેના આધાર પર કોર્ટે શશી થરુરને આરોપી તરીકે ગણ્યા હતા. આ મામલામાં અનેક વખત કોંગ્રેસી નેતાની લાંબી પુછપરછ પણ થઇ ચુકી છે. આ મામલામાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સુનંદા ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ચાણક્યપુરી સ્થિત ફાઈવસ્ટાર હોટલ લીલા પેલેસના મકાન નંબર ૩૪૫માં મૃત હાલતમાં મળી આવી હતી. મોતને પહેલા આત્મહત્યા તરીકે ગણાવવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ આવ્યા બાદ પોલીસે વણઓળખાયેલા લોકોની સામે હત્યાની કલમો ઉમેરીને તપાસ હાથ ધરી હતી. ૨૮મી મેના દિવસે મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ ૩૦૦૦ પાનામાં હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા ઉપર આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો હતો.

 

 

(6:52 pm IST)